- ભરૂચમાં અહેમદ પટેલને અવિસ્મરણીય અંજલિ
- રોટરી હોલમાં મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પવા ભાજપ-કોંગ્રેસ સહિતના મહાનુભાવો ઉમટ્યા
- અહેમદ પટેલની રાજકીય સ્ફરને દીકરી મુમતાઝ પટેલે શાયરી દ્વારા બયાન કરી
ભરૂચઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ અહેમદ પટેલને ભરૂચની રોટરી કલબ ખાતે દીકરી મુમતાઝ પટેલની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. મુમતાઝ પટેલે પિતા અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપતા જણાવ્યું હતું કે, પાપા કા એક શેર યાદ આ રહા હે, નજર નજર મેં ઉતરના કમાલ હોતા હે, નફસ નફસ (રોમ રોમ ) મેં બીખરના કમાલ હોતા હે, બુલંદી પે પહોચના કોઈ કમાલ નહિ, લેકિન બુલંદી પે ઠહેરના કમાલ હોતા હે" આજ શબ્દોથી પિતા અહેમદ પટેલને યાદ કરી તેમના સામાજિક કાર્યોને આગળ વધારવા પુત્રી મુમતાઝ અને ફેઝલ પટેલે લોકોના આશીર્વાદની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અહેમદ પટેલના પુત્રી એ ભરૂચથી તેમનો જન્મનો સંબંધ હોવાનું વર્ણવ્યું
સ્વ. અહેમદ પટેલના પુત્રી એ ભરૂચથી તેમનો જન્મનો સંબંધ હોવાનું વર્ણવી, કહ્યું હતું કે, ફેઝલ અને તેમનો જન્મ ભરૂચની જ મોદી હોસ્પિટલમાં થયો હતો, જે આજે ખબર પડી છે કે ત્યાં કોઈ હોટલ બની ગઈ છે. આજ શહેર એ મારા પિતાને પહેલી લોકસભાની જીત અપાવી હતી અને દિલ્હી સુધીની સફર નક્કી કરી. ગરમીની રજામાં ફેઝલ અને હું ભરૂચ આવતા હતા. પેહલા ડિલક્ષ - પશ્ચિમ એક્સપ્રેસ હતી, પછી પાપા (અહેમદ પટેલે) અગસ્ટક્રાંતિને સ્ટોપેજ અપાવ્યું.
ગોલ્ડનબ્રિજમાં જ ડ્રાઇવિંગ પ્રેક્ટિસના સ્મરણો પણ મુમતાઝ પટેલે વાગોળ્યા
ભરૂચથી દિલ્હી સાંજે જતા સ્ટેશન પર લોકોની ભીડ જામતી હતી. પિતા લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત રહેતા અને હું ને ફેઝલ કોમિક્સ અને ખારીસિંગ ખરીદવામાં વ્યસ્ત રહેતા હતા. ગોલ્ડનબ્રિજમાં જ ડ્રાઇવિંગ પ્રેક્ટિસના સ્મરણો પણ મુમતાઝ પટેલે વાગોળ્યા હતા.
ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત
સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાસુમન આપવા અર્જુન મોઢવાડીયા સહિત રાજ્યભરમાંથી કોંગી આગેવાનો સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રિમલસિંહ રણા સહિત સમગ્ર જિલ્લા કોંગ્રેસના આગેવાનો સાથે ભરૂચ ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રણા, પૂર્વ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાસીયા સહિતના જોડાયા હતા.