ગાંધીનગરમાં રેલીની જાહેરાતના પગલે ધારાસભ્ય છોટુ વસાવા અને મહેશ વસાવાની ગાંધીનગર પોલીસે કરી અટકાયત કરી હતી. જ્યારે 60થી વધુ કાર્યકરોને ભરૂચ પોલીસ દ્વારા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ વિવિધ સરકારી શાળાઓ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારના રોજ બીટીપી દ્વારા ગાંધીનગરમાં રેલીની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે રેલી પૂર્વે જ ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાનાં ધારાસભ્ય મહેશ વસાવાની અટકાયત કરી લીધી હતી. આ તરફ ભરૂચ પોલીસ દ્વારા અંકલેશ્વર, ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકમાંથી બીટીપીના 60થી વધુ કાર્યકરોને ગાંધીનગર જતા અટકાવવા જિલ્લામાં જ નજર કેદ કરાયા હતા.
ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સરકારના આ નિર્ણયમાં કારણે ટ્રાયબલ વિસ્તારમાં આવેલ 4 હજાર શાળાઓ મર્જ થશે. જેના કારણે આદિવાસીઓનાં બાળકોને શિક્ષણ માટે વલખા મારવા પડશે. સરકાર આ નિર્ણય થકી આદિવાસીઓના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માગતી હોવાના પણ આક્ષેપ કરાયા છે.