ભરૂચ: જિલ્લામાં લોકડાઉનના સમયમાં તમાકુ ગુટખાની હેરાફેરીના બનાવમાં વધારો થઇ રહ્યો છે. આમોદ પોલીસે સમા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લઈ જવાતા તંબાકુના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.
આમોદ પોલીસ મથકનો સ્ટાફ સમા ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ગાડીના ચાલકની પૂછપરછ કરતા તેણે જંબુસરની પટેલ સોસાયટીમાં રહેતા તોસિફ અબ્દુલ્લા આઝાદ જ્યારે બાજુની સીટ પર બેઠેલા ઇસમે તેનું નામ સદામ ગુલામ ખીલજી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાથી પ્રતિબંધિત તમાકુના 250 નંગ પાઉચનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 15 હજારની તંબાકુનો જથ્થો અને બે મોબાઈલ ફોન તેમજ ગાડી મળી કુલ 1.18 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બંને ઈસમોને તમાકુના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓ હાઇવે પેટ્રોલ પંપ પાસે રહેતા સુહેલ ઐયુબ હાજી પાસેથી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજના પ્રવેશ દ્વાર પાસે નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન ફોર વ્હીલર ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડીમાં તપાસ લેતા તેમાથી વિમલ પાન મસાલાના પાઉચ નંગ-432 અને વી-1 તમાકુના પાઉચ નંગ-432 અને ગાડી મળી કુલ રૂપિયા 3.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ભરુચના નાના નાગોરિવાડ મહમદપૂરા રોડ ઉપર રહેતા સિકંદર દાઉદ ખોટીયા, સાહિદાબેન સિકંદર દાઉદ ખોટીયાને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે રાજ્ય સરકાર દ્વારા તમાકુ,ગુટખાના વેચાણ અને હેરફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના અનુસંધાને ભરુચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે નંદેલાવ ઓવર બ્રિજ નીચેના માર્ગ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ટેમ્પોમાંથી તમાકુના ગુટખાના 1518 નંગ પેકેટ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 3.12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામમાં રહેતા ટેમ્પોના ચાલક સાવરિયાલાલ કુમાવતને ઝડપી પાડ્યો હતો.