ભરૂચ: જિલ્લામાં કોરોના વાઇરસના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 47 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભરૂચના જ્યોતિ નગર, જંબુસર ચોકડી નજીક આવેલા ઇમરાન પાર્ક અને ઝઘડિયાના રાણીપુરા ગામમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોધાયા છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં બહારના સંક્રમણના પગલે કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્રણ દિવસમાં SRPનાં 6 જવાનોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ વધુ ત્રણ નવા પોઝિટિવ કેસ નોધાયા છે.
ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલા ઇમરાન પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય યુનુસ ઈસ્માઈલ પટેલને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત જ્યોતિ નગરમાં રહેતા 32 વર્ષીય ઉત્તમ કવેથીયા અને ઝઘડિયાના રાણીપુરા ગામ ખાતે રહેતા 33 વર્ષીય હરેશ વસાવાને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
યુનુસ ઈસ્માઈલ પટેલ અને ઉત્તમ કવેથીયા મહરાષ્ટ્રથી આવ્યા હોય તેઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે
આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં મુંબઈથી આવી દહેજ ખાતેથી શીપમાં જનારા અન્ય ત્રણ વ્યક્તિનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જો કે આ ત્રણ ભરૂચ જિલ્લામાં ગણાશે નહી. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના પોઝિટિવ 47 કેસ નોધાયા છે. જે પૈકી 3 દર્દીના મોત નીપજ્યા છે.
જ્યારે 34 દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. તો જિલ્લામાં હવે કોરોના વાઇરસના 10 કેસ એક્ટીવ છે.