- શુક્રવારે રાત્રે ચાર્મી સાથે 3 સ્ટુડન્ટસની ડ્યૂટી
- પાંચ નંબરના વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા પછી સ્ટાફમાં દોડધામ મચી
- સળગતી પીપીઈ કિટ ફેંકીને કૉલ કરી તાત્કાલિક મદદ માંગી
ભરૂચ : જિલ્લાની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે મધરાતે 12:30 વાગે આગ ફાટી નીકળતા 16 કોરોના દર્દી અને 2 નર્સ સહિત 18 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બચી ગયેલી નર્સ ચાર્મી ગોહિલે ગોઝારી રાતે શું બન્યું હતું તે જણાવ્યું હતું. તેના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાત્રે મારી સાથે 3 સ્ટુડન્ટસની ડ્યૂટી હતી.
નર્સ ફરીગા ખાતુનની PPE કિટ સળગવા માંડી
રાત્રે 12:30 વાગ્યાના અરસામાં પાંચ નંબરના વેન્ટિલેટરમાં સ્પાર્ક થયા પછી સ્ટાફમાં દોડધામ મચી હતી. જેમાં ઓચિંતી આગ શરૂ થઇ જતાં સાથી નર્સ ફરીગા ખાતુનની PPE કિટ સળગવા માંડી હતી. હું બાજુમાં જ ઊભી હોવાથી હાથથી તેની કિટની આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારી કિટ પણ સળગવા માંડી હતી. સળગતી પીપીઈ કિટ ફેંકીને મેં કૉલ કરી તાત્કાલિક મદદ માંગી હતી.
આ પણ વાંચો : મહેસાણાના કડીમાં એક જ દિવસમાં ચાર જગ્યાએ લાગી આગ
બચવા માટે બહાર નીકળવા દોટ મૂકી
અમારા બંનેની કિટમાં આગ લાગેલી જોઇને અમારી ત્રીજી સાથી નર્સ માધવી દોડી આવી હતી. માધવી અને ફરીગા બંને વોશરૂમ તરફ દોડી હતી. જ્યાં આગ પ્રસરી ગઇ હતી. આગ લાગવા સાથે અંધારપટ છવાઇ જતાં શું કરવું તેની સમજણ પડતી ન હતી. મેં બચવા માટે બહાર નીકળવા દોટ મૂકી હતી.
જાણો શું હતી સમગ્ર ઘટના
ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. તેવામાં 30 એપ્રિલની મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગની જેમ ફેલાતા ભરૂચના પશ્ચિમ વિસ્તારના 3 હજાર જેટલા લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાળા કરી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આગમાં મૃત્યુ પામેલા સભ્યોના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લાગેલી આગ અંગે દુઃખ વ્યક્ત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું હતું કે, રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરી હતી.
કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ
મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા 18 દર્દીઓ લોકો બળીને ભડથુ થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં હતા. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી હતું.
રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના બે સિનિયર IAS અધિકારીઓ, શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા હતા. મુખ્યપ્રધાને એમ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી હતી.