ભરૂચઃ જિલ્લાના 1600થી વધુ ખેડૂતને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા નોટિસ આપવાના મામલે આ અંગે રજૂઆત કરાઈ હતી. તેમ છતા પણ નોટીસ પરત ખેંચાઈ ન હતી. જે બાદ અન્ય ખેડૂતોને પણ આ અંગે નોટીસ મળતા ખેડૂતો આંદોલન મૂડમાં આવી ગયા છે. આ આંદોલન માટે હાલ ખેડૂતો વિરોધ પ્રદર્શનનો તખ્તો ઘડી રહ્યા છે. આ અંગે 29 ફેબ્રુઆરીના રોજ બેઠક બોલાવામાં આવી છે. આ બેઠક બાદ ખેડૂતો આંદોલન શરૂ કરશે.
છેલ્લા કેટલાક સમયથી ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઈન્કમટેક્ષ અંગેની નોટિસ આપવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કોઈ પણ પ્રકારનો ઈન્કમટેક્ષ ભરવાનો ન હોવા છતા વારંવાર નોટિસ મળતા અગાઉ કલેક્ટર અને બાદમાં ઈન્કમટેક્ષ વિભાગમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જો કે આ અંગે કોઈ જ નિરાકરણ ન આવતા મંગળવારે ખેડૂતો રાજપુત છાત્રાલય ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં ચર્ચા વિચરણા કરવામાં આવી હતી. ખેડૂતોને ઈન્કમ ભરવાનો હોતો નથી. છતા કેમ આયકર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી રહી છે.
ખેડૂતોની ખોટી રીતે પજવણી કરાઈ રહી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે તારીખ 29 ફેબ્રુઆરીના રોજ શહેરના ઝડેશ્વર વિસ્તારમાં આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે વધુ એક બેઠક બોલાવવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબો આ બાબતે નિરાકરણ નહીં આવે તો રાજ્યભરમાં મોટું ખેડૂત આંદોલન કરવામાં આવશે.