- સામાન્ય ઝગડામાં પરિવારનો માળો વીંખાયો
- પતિએ આવેશમાં આવી પત્નીની કરી નાખી હત્યા
- પત્નીની હત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઇ લીધો
ભરૂચ: રાજયમાં છેલ્લા ઘણા સમયથી પરિવારમાં એકબીજાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી લેવાના કિસ્સા વધ્યાં છે. અંકલેશ્વરમાં પણ હવે આવી જ કરૂણ ઘટના બની છે. સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો અંકલેશ્વર શહેરના કાગડીવાડમાં રહેતાં હબીબ ઉલ રહેમાન કાગઝીએ પોતાની પત્ની સાહીનબાનુ શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દંપતિને ચાર સંતાનો છે. રવિવારના રોજ પતિ અને પત્ની વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં હબીબ ઉલ રહેમાને જમવાનું બનાવી રહેલી તેની પત્ની સાહીન પર હુમલો કરી દીધો હતો. હબીબે તેના માથામાં લોખંડનો પાઇપ મારી દેતાં તે ઢળી પડી હતી અને આખો ઓરડામાં લોહી પ્રસરી ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ હબીબ પણ મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ મૃતક સાહીનના પરિવારને ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવતાં તેમણે કાગડીવાડમાં પહોંચી તપાસ કરતાં તેમના માથે આભ તુટી પડયું હતું.
આ પણ વાંચોઃ આઈશા આત્મહત્યા કેસઃ આરીફને જામીન ના આપવા આઈશાના પરિવારજનોની કોર્ટમાં રાજૂઆત
આ પણ વાંચોઃ આઇશા આત્મહત્યા કેસ : જાણો શું કહે છે યુવતીનો પરિવાર...?
બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
રવિવારની રજામાં સૌ કોઇ પોતાના ઘરે હતાં પણ કાગડીવાડમાં બંધ બારણે ખુની ખેલ ખેલાયો હતો. આ બનાવની જાણ થતાં શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઇ ગુલામ મહંમદે પણ બન્ને વચ્ચે કોઇ ખટરાગ હોવાનો ઇન્કાર કર્યો હતો, ત્યારે ઝગડો કઇ બાબતે થયો તે તપાસનો વિષય બન્યો છે. પતિ અને પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલા ખૂની ખેલમાં ચાર બાળકોએ ક્ષણભરમાં માતા અને પિતાનું છત્ર ગુમાવી દીધું છે. હવે તેમના ઉછેરની જવાબદારી કોણ લેશે સહિતના અનેક સવાલો ઉભા થયાં છે.