- ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્યો માટે વ્હિપ જાહેર
- BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ફરમાવ્યો આદેશ
- રાજસ્થાન સરકારમાં BTPના બે ધારાસભ્યોને કોઈને પણ મત નહીં આપે
ભરૂચઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ-કોંગ્રેસને વોટ નહીં કરીને ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ ખળભળાટ મચાવ્યો હતો. તાજેતરમાં યોજાયેલી ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં BTPના પિતા-પુત્ર ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાએ ભાજપ-કોંગ્રેસને વોટ નહોતો આપ્યો. જો કે, બન્ને પાર્ટીઓએ બહુ મનાવ્યા બાદ પણ પિતા-પુત્રની જોડી ટસથીમસ થઈ નહોતી, જેથી કોંગ્રેસને એક બેઠકનું નુકશાન ગયું હતું. હવે આ પિતા-પુત્રની જોડીએ રાજસ્થાનમાં પણ પોતાના બન્ને ધારાસભ્યોને ગહેલોત સરકારના ફ્લોર ટેસ્ટમાં મત ન આપવાનો આદેશ કર્યો છે.
આ અંગે દેડિયાપાડાના ધારાસભ્ય અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પોતાના બંને ધારાસભ્યો પૈકી સાગવાડાના રામપ્રસાદ, ચૌરાસીના રાજકુમાર રોતને વ્હિપ મોકલ્યું છે. આ વ્હિપમાં જણાવાયું છે કે, રાજસ્થાનમાં ઊભા થયેલા રાજકીય સંકટમાં તમે ન તો કોંગ્રેસને વોટ આપશો કે ન ભાજપને. ન તો તમે અશોક ગહેલોતને વોટ આપશો કે ન તો સચિન પાઇલટને, પણ તમે તટસ્થ રહેશો. આગળ કહેવામાં આવ્યું છે કે, જો તમે વ્હીપનો અનાદર કરશો તો તમારી વિરૂદ્ધ શિસ્તભંગનાં પગલાં લેવાશે.
મહત્વનું છે કે, રાજસ્થાનમાં કોંગ્રેસે સત્તા મેળવી ત્યારે BTPના બંને ધારાસભ્યએ પાર્ટીના જ આદેશથી ગેહલોતની સરકારને સમર્થન આપ્યું હતું.