ઘટનાના મહત્વના મુદ્દા
- મકતમપુર વિસ્તારમાંથી પરિણીત યુવતિ અને યુવકનો મૃતદેહ મળી આવ્યો
- બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાની ચર્ચા
- પ્રેમીએ પહેલા પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાનું અનુમાન
- સી ડિવિઝન પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી
ભરૂચઃ શહેરના મકતમપુર વિસ્તારમાં આવેલા સી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળના ભાગે અવાવરું જગ્યામાં બપોરના સમયે એક યુવતી અને યુવાનનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થાનિકોએ આ ઘટના અંગેની જાણ પોલીસને કરતા સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં યુવતી અને યુવાન શહેરની રૂંગટા સ્કૂલ પાસે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. મૃતક યુવતી અલકા જગદીશ સુથાર પરિણિત છે અને તેમને સંતાનમાં બે બાળકો છે. મૃતક યુવાન તેની સામે જ રહેતો તુલસી સોલંકી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતા. આજે મંગળવારના રોજ બપોરના સમયે તેનો પતિ તેને સી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક મૂકી ગયો હતો અને બાદમાં તેનો પત્ની સાથે કોઈ જ સંપર્ક થયો ન હતો. બપોરના સમયે સેફાયર એપાર્ટમેન્ટ નજીકની અવાવરું જગ્યાએ બે મૃતદેહ મળ્યા હતા. કોઈ અંગત બાબતે યુવક અને પરિણિત યુવતિ વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ પ્રથમ પ્રેમિકાની હત્યા કર્યા બાદ જાતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે.
પોલીસને સ્થળ પરથી છરી અને દાતરડું પણ મળી આવ્યા છે. હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.