- આમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાં મહિલાઓની કબરમાંથી વાળની ચોરીની વિચિત્ર ઘટના
- સ્થાનિકોએ એક સગીર સહિત ત્રણ ઇસમોને ઝડપી પાડ્યાં
- 7 હજાર રૂપિયામાં 1 કિલો વાળ વેચાતાં હોવાની માહિતી
ભરુચઃ આમોદના ઇખર ગામના કબ્રસ્તાનમાં થોડા દિવસથી કબરોને નુકસાન કરવામાં આવી રહ્યું હોવાના સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બે-એક દિવસ પહેલાં ઇખરના કબ્રસ્તાનમાંથી ભાગતાં ત્રણ શખ્સોને કેટલાંક શખ્સોએ જોઇ જતાં તેમણે તેઓની ભાળ કાઢતાં પાલેજ નજીકથી તે પૈકીના બે સગીરને ઝડપી પાડ્યાં હતાં. તેમની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ઇકબાલ નામનો શખ્સ તેમજ ઝડપાયેલા બે સગીર કબરમાંથી વાળ ખેંચીને ચોરી કરતાં હોવાની કેફિયત આપી હતી. જે પૈકીના બે સગીર વાળનો વ્યવસાય કરતાં હોઇ કબ્રસ્તાનમાં આવેલી મહિલાઓની કબર શોધતાં હતાં.
આ શખ્સો કબરના માથાના ભાગે નાનું કાણું પાડી દોરી અને તારથી ખાડામાંથી મહિલાઓના વાળ ખેંચી લઇ તેને કાપી લઇ ચોરી કરી જતાં હોવાની કબુલાત તેમણે કરી હતી.આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો છે.આ અંગે આમોદ પોલીસ મથકના પી.એસ.આઈ.એન.એમ.સુથારે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવી ઘટના અંગેની જાણ થઇ છે. જો કે ફરિયાદ નોધાઇ નથી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
1 કિલો વાળને 7 હજાર રૂપિયે વેચતાં હતાં
વીગ બનાવવા માટે લાંબા વાળ ખરીદવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે એક મહિલાના માથામાં અંદાજે 80થી 90 ગ્રામ જેટલાં વાળ હોય છે. જોકે જો કોઇ મહિલાના માથામાં વાળનો ગ્રોથ સારો હોય તો અંદાજે 100થી 125 ગ્રામ જેટલાં વાળ નિકળતાં હોય છે. તેથી આ વાળની ચોરી કરાઈ હોય શકે અને આ ટોળકી 1 કિલો વાળને 7 હજાર રૂપિયે વેચતાં હોવાનું બહાર આવ્યું છે.