ભરૂચઃ કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોને સુરક્ષિત રાખવા તંત્ર તો કમર કસી જ રહ્યું છે પરંતુ સાથે અનેક સેવાભાવી લોકો પણ આગળ આવી રહ્યા છે. કોરોનાની મહામારી વચ્ચે ભરૂચના એક વૃદ્ધ દંપત્તિની આવી જ કહાની જાણવા મળી છે. ભરૂચના અયોધ્યા નગર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય ચંદ્રસિંહ પરમાર અને તેમના 70 વર્ષીય પત્ની નંદુબહેન હાલ નિવૃત્તિનું જીવન જીવી રહ્યા છે.
જો કે આ સમયગાળામાં લોકો માટે કંઈક કરી છૂટવાની તેમણે ઈચ્છા થઇ હતી અને તેમણે સંકલ્પ ફાઉન્ડેશનનો સંપર્ક સાધ્યો હતો. સંકલ ફાઉન્ડેશન ભરૂચમાં ગરીબોને વિના મુલ્યે માસ્કનું વિતરણ કરે છે ત્યારે આ વૃદ્ધ દંપત્તિએ સંસ્થાને ખાદી જેવા કાપડમાંથી માસ્ક બનાવી આપવાનું શરૂ કર્યું છે. રોજીંદા કામકાજમાંથી પતિ પત્ની સમય કાઢે છે અને સીવણ મશીન પર માસ્ક બનાવી કોરોના સામેની જંગમાં પોતાનું યોગાદન આપી રહ્યા છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાની ઉક્તિને આ વૃદ્ધ દંપત્તિ જીવનની ઢળતી સાંજે પણ સાર્થક કરી રહ્યા છે.