ભરૂચ: ગુજરાતમાં રાજ્ય સભાની ખાલી પડેલી બેઠકની ચૂંટણીની જાહેરાત થઇ છે. ત્યારે ગુજરાતના બે કદ્દાવર નેતાઓ વચ્ચે મુલાકાત થઇ છે. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને NCP નેતા શંકરસિંહ વાઘેલાએ રવિવારે વાલિયાના માલજીપુરા ગામ ખાતે છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી. જો કે, આ મુલાકાત રાજકીય ન હોવાનું શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, એપ્રિલ માસમાં BTP દ્વારા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટા પર આદિવાસીઓના પ્રશ્નોને લઇ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે બન્ને નેતાઓ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
છોટુ વસાવા અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત રાજ્ય સભાની ચુંટણી સમયે ખુબ જ સૂચક છે. શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા બાદ તેમને રાજ્ય સભામાંથી ટિકિટ આપવામાં આવે એવી ગોઠવણ થઇ છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉની રાજ્ય સભાની ચૂંટણીમાં છોટુ વસાવાએ કોંગ્રેસના અહેમદ પટેલને વોટ આપ્યો હતો. જેથી આ ચૂંટણીમાં તે NCPના ઉમેદવારને ટેકો આપે એ અંગે મુલાકાત થઇ હોવાની ચર્ચા ચાલી રહી છે.