ભરૂચઃ જિલ્લામાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં અકસ્માતમાં 10 લોકો જીવતા ભુજાવાના મામલે 7 લોકો સામે ગુનો નોંધાયો છે. કંપનીના યુનિટ હેડથી લઈ પ્લાન્ટ હેડ અને સેફટી હેડ સુધીનાને આરોપી બનાવવામાં આવ્યાં છે.
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં ત્રીજી જુનના રોજ થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 10 કામદારો જીવતા ભુજાયા હતા, જ્યારે 75 કામદારો ઘાયલ થયા હતા. આ મામલાની સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી, તેમજ સાથે જ પોલીસે પણ તપાસ કરી હતી. દહેજ મરીન પોલીસે સેફટી એન્ડ હેલ્થ વિભાગના રીપોર્ટ અને ડીટેલ ઇન્વેસ્ટીગેશનનાં આધારે 7 લોકો સામે ગુન્હો નોધ્યો છે.
દહેજ પોલીસ મથકના PSI વી.એલ.ગાગિયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર કંપનીમાં કામ કરતા યુનિટ હેડ થી લઈ પ્લાન્ટ હેડ અને સેફટી હેડની બેદરકારીના કારણે નાઈટ્રીક અને ડાય મિથાઇલ સલ્ફેટ કેમિકલ માનવ ભૂલના કારણે બીજા ટેન્કમાં ઠાલવી દેવાયા હતા અને તેના કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી તેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. સમગ્ર મામલામાં માનવ ભૂલના કારણે 10 લોકોના મોત થયા હોવાનું સામે આવતા પોલીસે IPC 304 મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે અટલબિહારી મંડલ, મહેશ ગલચર, ભરત અગ્રવાલ, ધરમ ઠુમ્મર, મિતેશ પટેલ, આલોક પાંડા, અને યુનુસ ખલી વાલા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.