મળતી વિગતો મુજબ, હાંસોટ કોસંબા રોડ પર પાંજરોલી ગામ પાસે આવેલ હાઈટેક ગ્રુપ ઓફ કંપનીમાં લુંટની ચોકાવનારી ઘટના સામે આવી છે. હાઈટેક કંપનીના પ્લાન્ટ નંબર 6ના પાછળ ભાગેથી 25થી 30 જેટલા લુટારુઓ કંપનીમાં ત્રાટક્યા હતા અને બંદુક તેમજ મારક હથીયારો બતાવી કંપનીના સિક્યુરીટી ગાર્ડ નિયાજ શેખ તેમજ અન્ય કામદારોને બંધક બનાવી દીધા હતા.
આ બાદ કંપનીમાં રહેલ મશીનરી અને એસ.એસના પાઈપ મળી રૂપિયા 5 લાખના માલમત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સિક્યુરીટી ગાર્ડે બાદમાં આ અંગે કંપની સંચાલકોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવતા હાંસોટ પોલીસે લૂંટ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વપૂર્ણ છે કે, હાઈટેક કંપની છેલ્લા 3 વર્ષથી બંધ હાલતમાં હતી. અંદર મોંઘીદાટ મશીનરીઓ હોવાની લુંટારૂઓને માહિતી હોવાથી આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલ હોવાની શક્યતા સેવાઈ રહી છે.