ભરૂચ : ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં દીનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મોટાભાગના જિલ્લાઓમાં તંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ કોરોના વાઇરસ ફેલાતો અટકે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી ગત મધ્યરાત્રીથી તારીખ 31મી માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ તકે અધિક જિલ્લા કલેકટર જે.ડી.પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવ્યાં અનુસાર આગામી તારીખ 31મી માર્ચ સુધી જિલ્લામાં એક જગ્યાએ પાંચ કે તેથી વધુ વ્યક્તિ એકઠા થઇ શકશે નહિ. આ ઉપરાંત ધાર્મિક સામાજિક અને જાહેર કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કોરોના વાઇરસની સ્થિતિ વચ્ચે ભરૂચ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. આ વાઇરસને ફેલાતો અટકાવવા પગલાં ભરવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં આજદિન સુધી વિદેશ પ્રવાસેથી 192 લોકો આવ્યા હતા. જે પૈકી 132 લોકોનું તંત્ર દ્વારા ઓબ્ઝેર્વેશન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ લક્ષણ સાથે 4 દર્દીઓને એડમીટ કરવામાં આવ્યા હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જો કે, વધુ એક દર્દીમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણ સાથે સિવિલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો છે. આ વ્યક્તિ મૂળ બિહારનો છે અને તે દુબઈથી દહેજ ખાતે આવ્યો હતો. જેની સારવાર ચાલી રહી છે. તેના રીપોર્ટ પરિક્ષણ અર્થે મોકલાયા છે.
આ તરફ દરેક મામલતદાર કચેરીમાં ચાલતા જન સેવા કેન્દ્રોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ સરકારી કચેરીમાં પણ લોકોને ન આવવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલા મેડીકલ સ્ટોર પર માસ્ક અને સેનીટાઇઝર નિયત કિંમતે જ વેચવા સુચના આપવામાં આવી છે. વધુ ભાવ વસુલાતો હશે તો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના વાઇરસની સ્થિતિ વચ્ચે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના તમામ પગલા ભરવામાં આવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં મોટો કોસ્ટલ વિસ્તાર આવેલો છે. જેમાં પોર્ટ તેમજ જે.ટી.પણ આવેલી છે. દહેજના કેમિકલ ઉદ્યોગમાં બહારથી વિવિધ ચીજવસ્તુઓ દરિયાઈ માર્ગે આવે છે, ત્યારે આ તમામ ગતિવિધિ પર વહીવટી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. પોર્ટ પર આવતા વિદેશી કર્મચારીઓ તેમજ અન્ય રાજ્યમાંથી આવતા લોકોનું સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં તબીબોની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. કસ્ટમ વિભાગ સાથે મળી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.