ભરૂચઃ આરોપીઓ પોલીસની જાસૂસી કરે તેવી કોઈ ઘટના સામે આવે તો હજી માનવામાં આવે, પરંતુ પોલીસ દ્વારા જ પોલીસની જાસુસી કરવામાં આવે તેવી ઘટના ચોંકાવનારી છે, પરંતુ આવું થયું છે એ પણ ભરૂચમાં. અહીં પૈસા માટે થઈને 2 પોલીસ કોન્સ્ટેબલે પોલીસની જ માહિતી બૂટલેગરને વેચી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આરોપી 2 પોલીસ કોન્સ્ટેબલ સહિત બુટલેગરો માટેના ગંભીર ગુનાહિત ષડયંત્રમાં સ્પેશિયલ કોર્ટ સિવાય જામીન ન મળે તેટલી કલમો લગાવવામાં આવી છે. સાથે જ આરોપીઓ સામે આજીવન કેદની જોગવાઇ સુધીની કલમો લગાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'હનીટ્રેપ, ક્રિપ્ટોકરન્સી અને ડાર્કનેટ' ભારતની સંવેદનશીલ માહિતી મેળવવા ISI એજન્સીના હથિયાર
SPને ગઈ હતી શંકાઃ ભરૂચ LCBમાં વર્ષોથી ટેકનિકલ સર્વેલન્સમાં રહેલા 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરીંગ સેલ SMCની બૂટલગરો ઉપર રેડ નિષ્ફળ જતા SP નિર્લીપ રાયને શંકા ગઈ હતી. તેમણે DySP કે. ટી. કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા 2 કોન્સ્ટેબલ મયૂર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.
SMCએ DGPને આપ્યો હતો રિપોર્ટઃ SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બંને પૈસા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SPએ તપાસ અંકલેશ્વર DySP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી. DySP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઈ આનંદ ચૌધરીએ બંને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી છે.
આરોપીઓ સામે વિવિધ કલમો લગાવાઈઃ પબ્લિક સર્વન્ટ અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બૂટલેગરો માટે કરતા બંને કોન્સ્ટેબલ, બૂટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમ જ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે, જેમાં IPC 409 આજીવન કેદની જોગવાઈ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત. કલમ 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી. કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ. 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહીં નિભાવી ગુનાહિત કામગીરી. 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ DYSP સી.કે.પટેલને સોપાઈ છે.
આ પણ વાંચોઃ Harsha Sanghvi vnsgu seminar : ભરૂચ પોલીસ જાસૂસી કાંડ સહિત હત્યા પ્રકરણ અંગે ગૃહપ્રધાનની પ્રતિક્રિયા
ફરિયાદમાં લગાવાઈ કડક કલમોઃ ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચના LCBના 2 કોન્સ્ટેબલે પૈસા માટે થઈને પોલીસની જ જાસૂસી કરી હતી. ત્યારે હવે આ 2 બુટલેગરો સહિત બંને આરોપી પોલીસ કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.