ભરૂચઃ ગુજરાતમાં બિન આદિવાસીઓને વિશેષ લાભ આપવાના મુદ્દે ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ ચાલી રહયો છે, ત્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટી ભરૂચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બિન આદિવાસીઓ કે જેઓ જે તે સમયમાં હાલાકી ભોગવતા હતા તેવા 480 પરિવારોને અનુસૂચિત જનજાતિ જેવા વિશેષ લાભ આપવામાં આવ્યા હતા. જેનો લાભ ઉઠાવીને ગુજરાતના કેટલાક અન્ય વિસ્તારોમાં ખોટા પ્રમાણપત્રો આપી દેવામાં આવ્યા હતા. અને તેનો લાભ આપવામાં આવ્યો હતો.
આદિવાસી સમાજના લોકો આવા લાભોથી વંચિત રહી જાય છે અને બિન આદિવાસીઓને લ્હાણી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટીના સભ્યોએ આવેદન પત્ર પાઠવ્યું હતું અને બોગસ પ્રમાણપત્રો રદ કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ વસાવાની અધ્યક્ષતામાં પાર્ટીના સભ્યો આ વિરોધના પ્રદર્શનમાં જોડાયા હતા.