નદીના પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયા હતા. શહેરના ફુરજા, કસક, બામાણિયા, ઓવારા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને મુખ્ય માર્ગો પર બોટ ફરતી થઈ હતી.મુખ્ય બજારમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓના વેપાર રોજગારને અસર થઈ હતી.
નર્મદા ડેમમાંથી 6.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતુર બની છે અને નદી 29 ફૂટ ઉપર વહેતા નીચાણવાળાં વિસ્તારોમાં પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 6.50 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવતા ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એકતરફ ભરૂચમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો બીજીતરફ ડેમમાંથી છોડતા પાણીના કારણે નદી તેની ભયજનક 24 ફૂટની ભયજનક સપાટીથી 5 ફૂટ ઉપર 29 ફૂટે વહી રહી છે.
ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, તો અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના નીચાણવાળા ગામોમાં પણ પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લામાં બે દિવસમાં 300 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તો સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નર્મદા નદીના જળસ્તર વધતાં વર્ષો બાદ શહેરના ફુરજા બંદરે નદીના પાણી ઘુસી ગયા હતા. જેના કારણે જન જીવન પર વ્યાપક અસર પડી હતી.