- અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નજીક નર્મદા નદી કિનારે યુવાનની હત્યા
- રૂપિયા 1 લાખની લેતીદેતી મામલે ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ
- યુવાને રેલવેમાં નોકરી માટે આરોપીને આપેલા રૂપિયા 1 લાખ પરત માંગતા હત્યા કરી
- રૂપિયા 1 લાખ પરત ન આપવા પડે તે માટે આરોપીએ કાવતરું રચ્યું
ભરૂચ: અંકલેશ્વર શહેરના ચૌટા નાકા નજીક આવેલ દગા ફળિયામાં રહેતા 23 વર્ષીય અનુપમ દાસે હવેલી ફળિયામાં રહેતા હર્ષ પટેલને રેલવેમાં નોકરી લગાડવા માટે રૂપિયા 1 લાખ આપ્યા હતા. પરંતુ હર્ષ પટેલે તેને નોકરીએ ન લગાડતા તે વારંવાર હર્ષ પાસે રૂપિયાની માગ કરતો હતો. આ બાબતની અદાવત રાખી કાવતરું રચ્યું હતું. જેના ભાગરૂપે આરોપી હર્ષ પટેલે, અનુપમ દાસને કામ અર્થે સજોદ જવાનું છે એ બહાને બોલાવ્યો હતો.
ભાઈને બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ ઈજા
જૂના બોરભાઠા ગામથી સરફુદ્દીન ગામ જતાં રોડ પર નર્મદા નદીના કિનારે પહોચી અનુપમ પર છરી વડે હુમલો કર્યો હતો, ત્યારે ઘવાયેલા યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઇને પણ ગંભીર ઈજાઓ પહોચી હતી. જોકે જેમાં ગંભીર રીતે ઘવાયેલ અનુપમ દાસનું મોત નિપજ્યું હતું. આ તરફ આરોપી હર્ષ પટેલ તેની કાર ઘટના સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.