ભરૂચઃ બીજા તબક્કાનું લોકડાઉન રવિવારે પૂર્ણ થતાં લોકડાઉન 3.0નો સોમવારથી પ્રારંભ થયો છે. સરકારે ઝોનવાઇઝ છૂટછાટ જાહેર કરી છે. ભરૂચ જિલ્લો ઓરેન્જ ઝોનમાં આવતા હોવાથી તંત્રે સોસાયટી વિસ્તાર તેમજ છૂટક દુકાનો શરૂ કરવાની મંજૂરી આપી છે.
જ્યારે કોમર્શિયલ કોમ્પલેક્ષની દુકાનો બંધ રાખવા આદેશ કર્યો છે. હેર સલુન અને બ્યૂટી પાર્લર તેમજ ચા-કોફીની લારી, દુકાનોને પણ મંજૂરી આપવામાં આવી છે, ત્યારે સોમવારથી ભરૂચના બજારો પુન:એકવાર ધમધમતા થયા હતા અને લોકોની ચહલ પહલ જોવા મળી હતી.
ભરૂચ શહેરના માર્ગો પર સામાન્ય દિવસ જેવો જ ટ્રાફિક જોવા મળ્યો હતો. સરકારે સવારે 7 થી સાંજે 7 કલાક સુધી દુકાન ચાલુ રાખવાની મંજૂરી આપી છે. અલબત્ત ભરૂચનાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે અનુક્રમે બપોરે 2 સુધી જ દુકાન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.