- પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની ભરૂચની મુલાકાત
- રાકેશ ટિકૈત આવનાર તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે
- 3 કૃષિ કાયદા વિરૂદ્ધ ભરૂચથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે એવો દાવો
ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેના આગેવાન રાકેશ ટિકૈત આવનારી 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સમર્થન આપી રહ્યા છે. ત્યારે રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાતને સફળ બનાવવા માટે શંકરસિંહ બાપુ દ્વારા બેઠકો યોજવાની શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે તેમણે ખેડૂત આગેવાનો સાથે બેઠક કરીને ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: 5 એપ્રિલે બારડોલીમાં રાકેશ ટીકેત ખેડૂતોને સંબોધશે
રાકેશ ટિકૈત અંબાજી મંદિર અને ગાંધી આશ્રમની લેશે મુલાકાત
ગુજરાતની મુલાકાતે આવનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈત 4 એપ્રિલે સવારે અંબાજી મંદિરે દર્શન કરવા પહોંચશે. જ્યારબાદ પાલનપુર અને બારડોલીમાં ખેડૂત સંવાદને સંબોધન કરશે. ગુજરાત મુલાકાતના બીજા દિવસે સવારે 8 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. જ્યારબાદ, તેઓ કરમસદ થશે. આ ઉપરાંત તેઓ ઉંઝા સ્થિત માં ઉમિયાનાં મંદિરે પણ દર્શન કરવા માટે જશે.
બાપુએ અમદાવાદમાં ખેડૂત નેતાની અટકાયતનો કર્યો વિરોધ
ભારતીય કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી અને ખેડૂત નેતા યુદ્ધવીર સિંહ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાના આમંત્રણથી અમદાવાદ આવ્યા હતાં. જ્યાં પોલીસે તેમની પત્રકાર પરિષદ રોકીને તેમની અટકાયત કરી હતી. શંકરસિંહ બાપુએ પોલીસની આ દમનગીરીનો વિરોધ કરતા કહ્યું હતું કે, પોલીસ ભાજપનાં કાર્યકર્તાની જેમ વર્તી રહી છે. ગુજરાતમાં ખેડૂત આંદોલનનાં ભણકારાને લઈને ભાજપ ચિંતિત બની ગઈ છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા
લોકશાહીના ઢબે લોકોનેે વિરોધ કરવા દેવામાં આવે
શંકરસિંહ વાઘેલાએ આ અંગે જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ગુજરાતમાં પણ શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર લોકશાહીના ઢબે તેઓને વિરોધ કરવા દેવામાં આવે. ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તો એ સાંખી નહિ લેવાય.