ભરૂચઃ લોકડાઉનના સમયમાં ગરીબ અને શ્રમજીવી વર્ગને અનાજ મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના અંતર્ગત મોટાપાયે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવા જ સમયે ભરૂચમાં અનાજનું કોભાંડ ઝડપાયું છે.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે અધિકારીઓને સાથે રાખી શહેરની નવી વસાહત નજીક આવેલા સરકારી પુરવઠા નિગમના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં અનાજની ગુણ ચકાસવામાં આવતા ઘઉંની ગુણમાંથી અનાજનો 350 ગ્રામસુધીનો જથ્થો ઓછો મળી આવ્યો હતો. તો બીજી તરફ ડેપોનાં મેનેજર કાગળ પર અનાજનો સ્ટોક પણ બતાવી શક્ય ન હતા.
ધારાસભ્ય દુષ્યંત પટેલે અનાજની ચોરીની આશંકા વ્યક્ત કરી આ અંગે કલેકટરને પણ રજૂઆત કરી હતી. ધારાસભ્યના આકસ્મિક ચેકિંગથી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર કોભાંડમાં પુરવઠા વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે લોકડાઉનના સમયમાં અનાજ ઓછું અપાતુ હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ગોડાઉનમાંથી જ અનાજ ઓછું આવતું હોવાની રજૂઆત કરી હતી. જે બાદ દરોડા પાડવામાં આવતા મોટું કોભાંડ બહાર આવ્યું છે.