દહેજ નજીક આવેલા વડદલા ગામે રહેતા અને કોન્ટ્રાક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા વીરેન્દ્ર પ્રજાપતિનો 6 વર્ષનો બાળક ક્રિષ્ના શનિવવારના રોજ બપોરથી ગુમ હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ જ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરી હતી.
દહેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા બાળક મિથુન ઢીમમર નામના વ્યક્તિ સાથે જોવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે મિથુનની અટકાયત કરી કડક પૂછતાછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી.
મીથુન બાળકને રમાડવાના બહાને નજીકમાં આવેલ રોયલ રેસીડન્સીના એક મકાનમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળક આ અંગે કોઈને કહી દેશેની શંકાએ તેણે બાળકને ગળે ફાંસો આપી હત્યા કરી દીધી હતી.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી નરાધમ આરોપી સામે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને પોકસો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે, બાળકના પિતા કોન્ટ્રાક્ટર છે. આરોપી 2થી 3 દિવસ પૂર્વે જ તેમને ત્યાં કામ કરવા આવ્યો હતો અને બાળક પર નજર બગડયા બાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરી દીધી હતી.