ભરૂચ: કોરોના વાઇરસની પરિસ્થિતિમાં વાઇરસના ચેપથી બચવા લોકો મોટા પ્રમાણમાં સેનિટાઈઝર અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી બજારોમાં સેનિટાઈઝરની માગ વધવા સાથે અછત સર્જાઇ છે. જેનો ફાયદો ઉઠાવી કેટલીક કંપનીઓ દ્વારા હલકી ગુણવત્તાનું સેનિટાઈઝર બનાવવામાં આવી રહ્યું છે. જેથી આવા કપરા સમયમાં ભરૂચના વાલિયા ખાતે આવેલી શ્રી ગણેશ સુગર ફેક્ટરી દ્વારા WHOની ગુણવત્તા અનુસાર સેનિટાઈઝર બનાવવામાં આવ્યું છે.
વાલિયાના વટારીયા ખાતે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી દ્વારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકોને સસ્તા ભાવે સેનિટાઈઝર મળી રહે એ હેતુથી પોતાના ડિસ્ટીલરી યુનીટમાંથી ઉતપન્ન થતા ઈથાઈલ આલ્કોહોલમાંથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની માર્ગદર્શિકા મુજબનું હેન્ડ સેનિટાઈઝરનું ઉત્પાદન તાત્કાલિક શરૂ કરી દેવામાં આવ્યું છે. ગણેશ સુગર દ્વારા અત્યાર સુધીમાં એક લાખ બોટલનું ઉત્પાદન કરી દેવામાં આવ્યું છે. જેની કંપનીએ 100 MLની બોટલ ગ્રાહકોને 35 રૂપિયામાં આપવી શરૂ કરી દીધી છે.
સેનિટાઈઝરના વપરાશ અંગે ભરૂચના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉ.ભાવિન સુરતીએ જણાવ્યું હતું કે, જે સેનિટાઈઝરમાં આલ્કોહોલનું પ્રામાણ 75 ટકા હોય, તે સેનિટાઈઝર વાઇરસનો ચેપ અટકાવવામાં કારગત નીવડે છે. જેથી WHOની માર્ગદર્શિકા મુજબનું હેન્ડ સેનિટાઈઝર વાપરવું જોઈએ. આ ગાઈડ લાઈન વિનાના બનેલા સેનિટાઈઝર ચામડીનાં રોગ અથવા ચેપનું સંક્રમણ વધારી શકે છે.