ભરૂચઃ સબજેલમાંથી જડતી સ્કવોડની તપાસ દરમિયાન એક સાદો મોબાઈલ મળી આવ્યો હતો. જે અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમદાવાદ જેલ નિરીક્ષકની જડતી સ્ક્વોર્ડ દ્વારા તારિખ 5મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ સબજેલ ખાતે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે તપાસ દરમિયાન સબજેલના સર્કલ નં 1ના 6 નંબરના બેરેકના શૌચાલયમાંથી પ્લાસ્ટિકની થેલીમાં વીટેલો એક સાદો મોબાઈલ મળી આવ્યો હતો. જોકે તેમાં સીમકાર્ડ ન હતું જડતી સ્કવોડ દ્વારા આ બેરેકમાં રખાયેલ 15 જેટલા કેદીઓની પૂછપરછ હાથ ધરી હતી.
પરંતુ આ મોબાઈલ કોનો છે તે અંગે કોઈએ કબૂલાત કરી ન હતી. સબજેલમાં મોબાઈલ મળવાની ઘટના અંગે ઝડતી સ્કવોડના દેવસી કરંગિયા દ્વારા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મોબાઈલના IMEI નંબરના આધારે કોણે કોણે તેનો ઉપયોગ કર્યો છે તે અંગેની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચ સબ જેલના કેટલાક કેદીઓ દ્વારા અંદર- અંદરની તકરારને લઇ ભૂખ હડતાલ કરવામાં આવી હતી જે બાદ અમદાવાદ જેલ નિરીક્ષકની જડતી સ્કવોડ દ્વારા ચેકિંગ કરાતા મોબાઈલ મળી આવ્યો છે ત્યારે જેલમાં આટલી સુરક્ષા વચ્ચે પણ મોબાઈલ આવ્યો ક્યાંથી એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.