- ભરૂચમાં સૌ પ્રથમ વખત બ્રેઇન ડેડ વ્યક્તિનું અંગદાન કરાયું
- અકસ્માતમાં બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિના કિડની અને લીવરનું દાન કરાયું
- ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસોથી થઈ કામગીરી
ભરૂચઃ જિલ્લામાં સૌ પ્રથમ વખત બ્રેઈન ડેડ વ્યક્તિનું અંગદાન કરવામાં આવ્યું છે. અકસ્માતમાં બ્રેઇન ડેડ (Brain Dead) થયેલા વ્યક્તિના કિડની (Kidney) અને લિવર (Liver)નું દાન કરવાનો પરિવારજનોએ નિર્ણય લેતા સુરતની ડોનેટ લાઈફ સંસ્થા (Donate Life Organization) અને અંકલેશ્વરની જયા બહેન મોદી હોસ્પિટલ (Hospital)ના પ્રયાસોથી આ કામગીરી કરવામાં આવી છે. Kidney તેમજ Liver અમદાવાદની હોસ્પિટલમાં લઈ જઈ 3 વ્યક્તિને નવ જીવન આપવામાં આવ્યું હતું.
અક્સમાતમાં ગંભીર ઈજાના પગલે હોસ્પિટલના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા
ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં અંગદાન એ મહાદાનનું સૂત્ર સાર્થક થયું છે અને તેનાથી 3 વ્યક્તિને નવ જીવન મળ્યું છે. સુરતના ઓલપાડ સાયણ રોડ પર આવેલા કુમકુમ બંગલોઝમાં રહેતા 60 વર્ષીય કાંતિભાઈ પ્રજાપતિ ઓલપાડ હાંસોટ રોડ પરથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા, એ દરમિયાન રાયમાં ગામ નજીક તેઓનો અકસ્માત સર્જાયો હતો. આથી તેઓને પ્રાથમિક સારવાર હાંસોટ સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા, જો કે, ગંભીર ઈજાના પગલે હોસ્પિટલના તબીબોએ તેઓને બ્રેઇન ડેડ (Brain Dead) જાહેર કર્યા હતા.
આ પણ વાંચોઃ સુરતના પરિવારને સલામ, અંગદાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું
પરિવારજનોએ અંગદાનની સહમતિ આપી
તબીબોએ પ્રજાપતિ પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારજનોએ અંગદાન માટે સહમતી આપી હતી. સુરતની ડોનેટ લાઈફ સંસ્થા (Donate Life Organization)ના નિલેશ માંડલેવાલા અને તેમની ટીમ જરૂરી મંજૂરી લઈ અંકલેશ્વર પહોંચ્યાં હતા. જ્યા જરૂરી તબીબી કામગીરી કરી કાંતિભાઈના શરીરમાંથી બે કિડની અને લીવર કાઢવામાં આવ્યાં હતા.
3 દર્દીને મળ્યું નવજીવન
અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર(Kidney Institute and Research Center)માં જરૂરિયાતમંદ દર્દીને કીડની આપવામાં આવી રહી છે. તેમજ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં એક દર્દીના શરીરમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આમ બ્રેઇન ડેડ વ્યક્તિના શરીરના અંગોના કારણે 3 વ્યક્તિને નવજીવન મળ્યું છે. આ કામગીરીમાં સુરતની ડોનેટ લાઈફ સંસ્થાના પ્રતિનિધિઓ અને અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી.
આ પણ વાંચોઃ Organ Donate : સુરતમાં અંગદાન કરીને છ વ્યક્તિઓને જીવનદાન