ભરુચઃ ભરૂચમાં પ્રથમ વરસાદે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી જતાં નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને યુદ્ધના ધોરણે એકસાથે ચારથી વધુ સ્થળોએ કાંસની સાફસફાઈ શરુ કરવામાં આવી છે. ભરૂચમાં ગતરોજ વરસેલ પ્રથમ વરસાદે જ નગર સેવાસદનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.સવારથી બપોર સુધી વરસેલ સવા ઇંચ વરસાદમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
આજે વરસાદે વિરામ લેતાં મોડેમોડે પણ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. ભરૂચ નગર સેવાસદન દ્વારા આજે સવારથી જ યુદ્ધના ધોરણે એકસાથે ચારથી વધુ સ્થળોએ કાંસની સાફસફાઈ શરુ કરાવવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેની કાંસમાંથી કચરો સાફ કરાવવામાં આવી રહ્યો છે અને પાણીનો નિકાલ થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.