અંકલેશ્વર: શહેર નજીક હાઈવે પર માંડવા ગામની સીમમાં રાસાયણિક કચરામાં આગ લાગતા દોડધામ મચી હતી. કોઈક બેજવાબદાર તત્વોએ કચરાનો ગેરકાયદેસર રીતે નિકાલ કરી આગ લગાડી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બુધવારે સવારના સમયે રાસાયણિક કચરામાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેના પગલે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોચ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જો કે, કોઇ બેજવાબદાર તત્વો દ્વારા રાસાયણિક કચરાનો જાહેરમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરી તેને સળગાવી દેવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ મામલામાં કડક તપાસ કરે એ જરૂરી છે.