ભરુચ: સમગ્ર દેશમાં 2 ઓકટોબરે ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સહકાર પ્રધાનની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
દેશને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150 મી જન્મ જયંતિ છે. મહાત્મા ગાંધીએ દર્શાવેલા માર્ગો ઉપર ચાલી તેને જીવનમાં ઉતારવાથી રાષ્ટ્રપિતાને સાચી શ્રદ્ધાંજલી છે. ગાંધીજી સ્વચ્છતાના આદિ હતા. તેથી તેઓની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે ભરુચ જિલ્લા કક્ષાની સ્વચ્છતા દિવસની ઉજવણી અંકલેશ્વર ખાતે કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સ્વચ્છતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, રાજ્યના બાળ અધિકાર રક્ષણ વિભાગના ચેર પર્સન જાગૃતિ પંડ્યા, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષા શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રેષ્ઠ આંગણવાડી મહિલા કાર્યકરને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સ્વચ્છતા અને સાંપ્રત સ્થિતિમાં હાથ કેવી રીતે ધોવા અને કોરોના જેવી મહામારીથી દૂર કેવી રીતે રહેવું તે અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.