- ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો
- ઉપયોગમાં લેવાયેલી પી.પી.ઇ. કીટ પણ ખુલ્લી જગ્યામાંથી મળી આવી
- મેડિકલ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો ન હોવાનો સિવિલ પ્રશાસનનો બચાવ
ભરૂચઃ સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. મેડિકલ વેસ્ટના ઢગમાંથી ઉપયોગમાં લેવાયેલી PPE કીટ પણ મળી આવી હતી. આ અંગે સિવિલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો નથી, પરંતુ બહારની કોઈ હોસ્પિટલ દ્વારા ગેરકાયદે રીતે નિકાલ કરવામાં આવ્યો છે.
લોકોના સ્વાસ્થ્ય પર ખતરો
એક તરફ કરોનાની મહામારી ચાલી રહી છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા સરકાર પ્રયતનો કરી રહી છે. તો બીજી તરફ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કૉલેજ તરફ જવાના માર્ગ પર જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શન, હેન્ડ ગ્લોસ સાથે PPE કીટ પણ મળી આવી હતી. કોરોનાનું સંક્રમણ ગંભીર તબક્કામાં ચાલી રહ્યું છે. આવા સમયે જ PPE કીટ સહિત મેડિકલ વેસ્ટ જાહેરમાંથી મળી આવતા લોકોના સ્વાસ્થ્ય પર ખતરો ઉભો થયો છે.
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ
આ અગાઉ પણ અનેક વાર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી મેડિકલ વેસ્ટ જાહેરમાં મળી આવ્યો હતો. આ બાબતની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કોના દ્વારા બેદરકારી દાખવી મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરાયો છે એ સહિતની વિગતો મેળવવા તપાસ શરૂ કરી હતી.
મેડિકલ વેસ્ટ સિવિલ હોસ્પિટલનો નથી: સિવિલ સર્જન
આ અંગે સિવિલ સર્જન ડૉ.જીતિયાએ જણાવ્યું હતું કે, આ મેડિકલ વેસ્ટ અને PPE કીટ સિવિલ હોસ્પિટલની નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા જે PEE કીટનો ઉપયોગ કરાય છે એ અલગ પ્રકારની છે. અન્ય કોઈ હોસ્પિટલમાંથી દર્દીને સિવિલમાં એડમિટ કરવા આવતી એમ્બ્યુલન્સમાંથી આ વેસ્ટનો સિવિલ હોસ્પિટલમાં નિકાલ કરવામાં આવ્યો છે.