- AIMIMની ગુજરાતમાં એન્ટ્રી
- ભરૂચમાં BTP અને AIMIMનું થયું ગઠબંધન
- AIMIMનું ગુજરાતમાં સૌથી વધુ ધ્યાન ભરૂચ પરભરૂચમાં આદિવાસી અને લઘુમતી મતદારોના કારણે BTP અને AIMIM વચ્ચે ગઠબંધન
ભરૂચ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એલાન થઈ ગયું છે. જે અંતર્ગત ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે હૈદરાબાદમાં લોક ચાહના મેળવનારી AIMIM પાર્ટીનું ભરૂચના આદિવાસી પટ્ટા પર પ્રભુત્વ ધરાવનારી BTP સાથે ગઠબંધન થયું છે. આમ તો AIMIM ભરૂચ સાથે અમદાવાદ, મોડાસા, અબડાસા સહિતના જિલ્લાઓમાં ચૂંટણી લડશે અને આ માટે ઉમેદવારો પસંદ કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
AIMIMનું સૌથી વધુ ધ્યાન ભરૂચ પર
AIMIM ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચૂંટણી લડશે, પરંતું આ પાર્ટીનું સૌથી વધુ ફોકસ ભરૂચ પર રહ્યું છે. ગુજરાતમાં AIMIMની એન્ટ્રીનો રસ્તો ભરૂચ સ્થિત BTPએ ખુલ્લો કર્યો છે. આ સાથે જ બીજા અનેક કારણો છે, જેના લીધે ભરૂચ AIMIMનું કેન્દ્રબિંદુ રહ્યું છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10428416_a.jpg)
આદિવાસીઓ અને મુસ્લિમ મતદાર કારણભૂત
ETV BHARAT સાથેની વાતચીતમાં રાજકીય નિષ્ણાંત દેવાનંદ જાદવે જણાવ્યું હતું કે, ભરૂચ લોકસભા વિસ્તારમાં આવતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં આદિવાસીઓ તેમજ મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે આદિવાસી મતદારો પર પ્રભુત્વ ધરાવતી BTP અને મુસ્લિમ યુવાનોમાં લોકપ્રિય અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ નવા સમીકરણો રચવા આ ગઠબંધન કર્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ભરૂચના લઘુમતી મતદારની આશાઓને પૂર્ણ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી હોવાના કારણે AIMIM એક વિકલ્પ બની શકે છે.