ભરૂચ: ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર ટોલબુથનાં કર્મચારીઓ અને ટેમ્પા ચાલક વચ્ચે મારામારી થવાના મામલામાં અંકલેશ્વર શહેર પોલીસે સામસામી પોલીસ ફરિયાદમાં માર મારનાર ટોલબુથના 2 કર્મચારીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ નેશનલ હાઇવે પર મુલદ ટોલ પ્લાઝા પર ટેમ્પો ચાલકે ટોલના કર્મીઓ પર ચપ્પુથી હૂમલો કરવાનાં CCTV ફૂટેજ વાઇરલ થયાં હતા. જેમાં ટેમ્પો ચાલક ટોલ વસુલવા બાબતે થયેલી માથાકૂટમાં ટોલબૂથના કર્મી સાથે ઝઘડો થતાં તેના પર ચપ્પુથી જીવલેણ હૂમલો કરવા ધસી આવ્યો હતો. જો કે, ટોલબુથના કર્મી સહિત અન્ય કર્મચારીઓ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. એક કર્મીએ તેના હાથમાંથી ચપ્પુ આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ કેબલ બ્રિજ ટોલ પ્લાઝા પર વાહન ચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે મારામારી, ઘટના CCTVમાં કેદ
જો કે, આ તમામ ખેંચતાણમાં ઉશ્કેરાયેલાં ટોલબુથના કર્મીઓએ ટેમ્પોના ચાલકને ઉપરા-છાપરી મુક્કા-તમાચા મારવાના શરૂ કરી દીધાં હતાં. આ મામલે બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોધાવી હતી. જેમાં ટેમ્પા ચાલકની ફરિયાદના આધારે અંકલેશ્વર શહેર પોલીસે માર મારનાર ટોલબૂથના કર્મચારી ધર્મવીરસિંહ અને રોકાણ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.