અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ રતનેશ પાંડે નામનો આ આરોપી ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નિકિતા સોનીના વીગો અને ફેસબુક ઉપર એકાઉન્ટ બનાવી ફેન્સ સાથે નિકિતા તરીકે ચેટ અને ફોન ઉપર મહિલાના અવાજમાં વાત કરતો હતો. પોતાના પાતળા અવાજનો ફાયદો ઉઠાવી રતનેશ નિકિતાની બર્થ ડે અને નિકિતાના પિતા બીમાર હોવાથી પૈસાની જરૂર હોવા જેવા બહાનાથી ફેન્સને ઝાંસો આપી પૈસા અને મોંઘી ભેટ સોગાદો મંગાવતો હતો અને તે નિકિતાના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે લોકો પાસેથી રિસીવ કરી ચૂનો ચોપડતો હતો.
તાજેતરમાં નિકિતાના એક ફેન દ્વારા નિકિતાને મોકલાયેલા દોઢ લાખ રૂપિયાથી તેના પિતાના ઈલાજ બાબતે તબિયત પૂછવા સંપર્ક કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. પોતાના નામ ઉપર છેતરપિંડી થઈ રહી હોવાનું ધ્યાન ઉપર આવતા અભિનેત્રીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસની મદદથી ફેન દ્વારા ગિફ્ટનું પ્રલોભન આપવામાં આવતા રતનેશ પાંડેએ અવાજ બદલી નિકિતા તરીકે ફેન સાથે વાત કરી ગડખોલ વિસ્તારમાં પી.એ.ને મોકલી ગિફ્ટ મંગાવવાની વાત કરી રતનેશ જાતે ગિફ્ટ લેવા પહોંચી ગયો હતો. પરંતુ, અહીં ફેન્સ સાથે પોલીસ પણ વોચમાં હતી જેને રતનેશને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
ઠગને ઝડપી પાડયા બાદ અંકલેશ્વર શહેર પોલીસે સાઇબર ક્રાઇમ અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ રતનેશ પાંડેની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ બાદ અંકલેશ્વર પોલીસે પૂછપરછ શરુ કરી રતનેશ સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને તેમના દ્વારા નિકિતા અને તેના જેવી સેલિબ્રિટીઓના નામે કેટલા રૂપિયા પડાવ્યા છે તેની માહિતી બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.