- કેન્દ્ર સરકારે ડાયસ્ટફ રો મટીરીયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દેતા ડાઈઝ ઉદ્યોગો પર તેની અસર
- રો મટીરીયલ મોંઘુ પડતા ફાઈનલ પ્રોડક્ટની કીમત વધે તેવી શક્યતાઓ
- ભારતમાં રો મટેરિયલ પૂરું પાડી શકે તેવા ઉદ્યોગો પૂરતા નથી
ભરૂચઃ ભારત સરકારે ડાયસ્ટફ રો મટીરીયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દેતા કેમિકલ હબ અંકલેશ્વરને મોટી અસર પડી છે. આ નિર્ણયની સીધી અસર નિકાસ ઉપર પડી રહી છે. એસ્ટેટમાં 300થી વધુ ડાઇઝ ઇન્ડસ્ટ્રી છે. ભારતના મોટા ભાગના ડાઈઝ ઉદ્યોગો ચીન ખાતેથી રો મટેરિયલ મંગાવતા હતા અને જે ભારતના માર્કેટની સાપેક્ષે સસ્તો પડતો હતો. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં જ ઉદ્યોગોને પ્રાધાન્ય મળે અને ઉદ્યોગો આત્મ નિર્ભર બને તે માટે ડાયસ્ટફ રો મટીરીયલ ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી દેવામાં આવી છે. જેના કારણે ચીનથી આવતા રો મટેરિયલનો ભાવ વધ્યો છે. જોકે, હાલમાં ભારતમાં રો મટેરિયલ પૂરું પાડી શકે તેવા ઉદ્યોગો પુરતા પ્રમાણમાં નથી.
રો મટેરિયલ મોંઘુ થતા ઉદ્યોગોને મુશ્કેલી
સરકાર દ્વારા આત્મ નિર્ભર સ્કીમ અંતર્ગત આવા ઉદ્યોગોને પ્રાધાન્ય ભલે આપવામાં આવી રહ્યું હોય પરંતુ ડાઈઝ તેમજ એગ્રો કેમિકલ કંપનીઓ માટેની તમામ પરવાનગીઓ કેન્દ્ર સરકાર પાસેથી મેળવવાની હોય છે, જે પરવાનગીઓ આવતા વિલંબ થાય છે. ત્યારે સરકાર દ્વારા જો તબક્કાવાર આ નિર્ણય લેવામાં આવ્યો હોત તો ઉદ્યોગોને મુશ્કેલી ન પડત. પરંતુ હાલમાં રો મટેરિયલ મોંઘુ થતા ઉદ્યોગોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેના કારણે ફાઈનલ પ્રોડક્ટ પર તેની અસર વર્તાશે અને ગ્રાહકો ઉપર ભારણ વધશે તેમ ઉદ્યોગકારો માની રહ્યા છે.
રો મટિરિયલના ભાવ વધવાથી કપડા સહિતની વસ્તુ પર થશે અસર
આ અંગે અંકલેશ્વરના ડાઈઝ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંદીપ વીઠલાનીએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય આવકારદાયક છે જેમાં કોઈ બેમત નથી, પરંતુ અચાનક આવી પડેલા નિર્ણયથી ગ્રાહકોએ જ ભોગવવું પડશે કારણ કે રો મટિરિયલના ભાવ વધવાથી કપડા સહિતની તમામ ફાઈનલ પ્રોડક્ટ ઉપર તેની અસર થશે.