- ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં બીટીપીએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની કરી જાહેરાત
- બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત લાવવાની કરી જાહેરાત
- રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી બીટીપીને સત્તાથી રાખ્યું દુર
ભરૂચઃ રાજયમાં જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકામાં ચુંટાયેલી પાંખની ટર્મ પુર્ણ થતાંની સાથે રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી છે.
ગત વિધાનસભાની ચુંટણી દરમિયાન કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું, જેના ભાગરૂપે કોંગ્રેસે ઝઘડીયા અને દેડીયાપાડામાં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો અને તેની સામે બીટીપીએ નાંદોદ બેઠક કોંગ્રેસ માટે ખાલી કરી આપી હતી. વિધાનસભા બાદ ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં પણ બીટીપી અને કોંગ્રેસનું ગઠબંધન થયું હતું. હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચુંટાયેલી પાંખની પાંચ વર્ષની ટર્મ પુરી થઇ ચુકી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કયારે યોજાશે તેની જાહેરાત નથી કરવામાં આવી પણ તે પહેલા ભરૂચ અને નર્મદા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ શાસિત રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે ભેગા મળી બીટીપીને સત્તાથી દુર રાખતાં બીટીપીના આગેવાનો નારાજ થયાં છે. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ કોંગ્રેસ સાથે ગઠબંધનનો અંત લાવવાની જાહેરાત કરી છે.
ભરૂચ જિલ્લા પંચાયતની સ્થિતિ
કુલ બેઠક: 34
બિટીપી: 9
કોંગ્રેસ: 13
ભાજપ: 12
નર્મદા જિલ્લા પંચાયતમાં બિટીપીએ સમર્થન પાછું ખેંચવા લખ્યો પત્ર
નર્મદા જિલ્લા પંચાયતમાં બિટીપીએ સમર્થન પાછું ખેંચવા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે, પરંતુ ભરૂચ જિલ્લા પંચાયતમાં હજુ સુધી આવો કોઈ પત્ર ન મળ્યો હોવાનું ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
21 ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયતની ટર્મ થઈ રહી છે પૂર્ણ
ભરૂચ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાન અનિલ ભગતે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને સમર્થન પાછું ખેંચવાની રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ જાહેરાત કરી છે. તારીખ 21 ડિસેમ્બરના રોજ જિલ્લા પંચાયતની ટર્મ પૂર્ણ થઈ રહી છે, ત્યારે પાર્ટી લેવલે બેઠક કરી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.
બીટીપીના નેતાઓ સાથે સંકલન કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે
બીજી તરફ આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા નાઝુ ફડવાલાનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, બીટીપી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે કોઇ બેઠક થઇ નથી. બીટીપી તરફથી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોંગ્રેસની પ્રદેશ સમિતિ તરફથી બીટીપીના નેતાઓ સાથે સંકલન કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.