ભૂજ :જિલ્લા મહિલા અને બાળ અધિકારી-કચ્છ અને પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છની કચેરીના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી ભણાવો અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો. જેને દિપ પ્રાગટય વડે ખુલ્લો મૂકતા ત્રિવેદીએ વધુમાં પોલીસ વિભાગના કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા તેમણે ફરજની સાથે સાથે સમાજ સેવાનો અભિગમ કેળવવા પર ભાર મૂકયો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતીય પરંપરા અને શાસ્ત્રોમાં સ્ત્રીને હંમેશા મહત્વ આપવામાં આવ્યુ છે. પરંતુ અત્યારના બદલાયેલા સમયમાં બેટી બચાવો અભિયાનની ઝુંબેશ ચલાવવી પડે છે. પોલીસે ગુનાશોધન માત્રની કામગીરી ન કરતા સમાજમાં ફેલાયેલા કુરિવાજો - કુપ્રથાઓને દૂર કરવા પ્રયત્નશીલ રહેવુ જોઈએ જેથી ગુના બનતા અટકાવી શકાય. ગુના બનતા અટકે એવી કાર્યપ્રણાલી અપનાવવા શીખ આપતા સામાજિક સમરસતાએ વર્તમાન સમયની તાતી જરૂરીયાત ગણાવી હતી.
પોલીસ અધિક્ષક સૌરભ તોલંબીયાએ સ્વાગત પ્રવચન કરતા પોલીસકર્મીઓ સાથે આયોજિત આ સેમિનાર નિષ્ઠા અને કાર્યદક્ષતાથી કામ કરતા પોલીસકર્મીઓ મહિલા અને બાળકોની સુરક્ષાને લગતા કાયદાઓ જાણી સમજશે તે સમાજ જાગૃતિ માટે ઉપયોગી પૂરવાર થશે તેમ જણાવ્યુ હતું. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ કાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપી હતી. સાથે સાથે સમાજ સુરક્ષા માટે પોલીસની જવાબદારીઓ અંગે જણાવ્યુ હતું.
જિલ્લા સરકારી વકિલ કલ્પેશભાઈ ગોસ્વામીએ પોકસો એકટ અંગે સમજ આપી હતી અને પોલીસ પાસે આવતા આવા કેસોમાં કાયદાનુ યોગ્ય અર્થઘટન કરવા જણાવ્યું હતું. નાયબ પોલીસ અધિકારી બી. એમ. દેસાઈએ પોલીસ કર્મીઓ સાથેનો આ માર્ગદર્શન શિબીર ઉપયોગી બની રહે તેમજ આ સેમિનારના માધ્યમથી પોલીસ કર્મચારીઓ પણ સમાજ સેવા સમજે તેવી ભાવના વ્યકત કરી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલે બેટી બચાવો બેટી ભણાવો અને વ્હાલી દિકરી યોજના વિષે સમજણ આપવાની સાથે મહિલાઓના કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવિંદભાઈ રોહાડીયાએ સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ અંગે તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું.
લીગલ એડવાઈઝર સુનીતાબેન ભાનુશાલીએ મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ અંગે સમજણ આપી હતી. ડૉ. નીશા સેંગારે દેશમાં બની રહેલા માનવ તસ્કરીના બનાવો અંગે ચિંતા વ્યકત કરી આવા બનાવો ન બને તે માટે કાયદાને સમજવા અને આવી ગુનાખોરી રોકવા સમજ આપી હતી.
આ ઉપરાંત બાળ અધિકારો અને આપણી જવાબદારીઓ વિષય પર જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના સભ્ય રેશ્માબેન ઝવેરીએ માર્ગદર્શન આપ્યુ હતુ. આ અવસરે વિવિધ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત પાંચ મહિલાઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જલ્પાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લામહિલા કલ્યાણ અધિકારી ચેતન પેથાણી, મહિલા શક્તિ કેન્દ્રના જિલ્લા કો-ઓર્ડીનેટર ભરતભાઈ સોલંકી નરપતસિંહ સોઢા અને નારણભાઈ જેપાર સહયોગી બન્યા હતા.