- સમારકામની કામગીરીના પગલે તંત્રનો નિર્ણય
- રીક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
- ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીના પગલે કસક ગરનાળુ બંધ
ભરૂચઃ શહેરના ગોલ્ડન બ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીને લઇ કસક ગળનાળુ 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી સુધી તંત્ર દ્વારા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય સામે હવે રીક્ષા ચાલકોએ પણ તંત્ર સામે રજૂઆત કરી છે કે, આ કસક ગળનાળુ એક મહિના સુધી બંધ રહેશે તો રીક્ષા ચાલકોને 3 કિમી લાંબો ફેરો ફરીને આવવું જવું પડશે. આ સાથે જ પેસેન્જરો વધુ ભાડું નહી આપે તો તેમને આર્થિક નુકસાન પહોંચી શકે છે. જેથી રીક્ષા ચાલકોએ આ કામગીરી જલ્દી પૂર્ણ કરવાની માગ કરી છે.
રીક્ષા ચાલકોએ કરી રજૂઆત
રીક્ષા ચાલકોએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદથી સર્જાયેલી પરિસ્થિતિમાં રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે. જેથી જો ભરૂચ અને ઝાડેશ્વરનાં માર્ગનો વધુમાં વધુ રીક્ષા ચાલક રોજીરોટી માટે ઉપયોગ કરતા હોય છે, તેવામાં આટલો લાંબો ફેરો ફરીને પણ તેમને યોગ્ય વળતર પેસેન્જર તરફથી ન મળે તો તેમની આર્થિક આવક ઉપર અસર પહોંચી શકે છે.