ભરૂચઃ ભરૂચ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી એક જ મહિનામાં રૂ. 28.49 લાખનો દંડ વસૂલ કર્યો છે. આમાંથી સૌથી વધારે 7937 લોકો હેલ્મેટ વગરના હતા. ભરૂચ પોલીસે સમગ્ર જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી, જેમાં જિલ્લાના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર પોલીસે કડક વાહન ચેકિંગ કર્યું હતું. ટ્રાફિક તોડનારાઓને સહેજ પણ ઢીલ આપ્યા વિના પોલીસે દંડ ફટકાર્યો હતો.
ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓની સંખ્યાઃ
- હેલમેટ વગર - 7937 કેસ
- ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવાના - 326 કેસ
- લાયસન્સ વગરના - 530 કેસ
- ક્ષમતા કરતા વધુ પેસેન્જર બેસાડનારાના - 687 કેસ
- સિટ બેલ્ટ વગર વાહન હંકારનારાના - 1609 કેસ
- ઓવર લોડ વાહનનાં - 82 કેસ
- વાહન પર ડાર્ક ફિલ્મના - 344 કેસ
- દસ્તાવેજ વગરના વાહનના - 1147 કેસ
- પૂર ઝડપે વાહન હંકારવાના - 403 કેસ
- નશાની હાલતમાં વાહન હંકારવાના - 198 કેસ
- જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ વાહન પાર્ક કરવાના - 161 કેસ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં વર્ષ 2019માં અકસ્માતના 590 બનાવ બન્યા હતા, જેમાંથી 270 લોકોએ જીવ ગુમાવ્યો હતો તો 2020માં અત્યાર સુધી અકસ્માતના 353 બનાવ બન્યા છે, જેમાં 156 લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે માર્ગ સલામતી એ જ જીવન માટે ઉત્તમ છે.