- ટેન્કરમાંથી કરાતી હતી કેમિકલ ચોરી
- કેમિકલ ચોરીના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ
- રૂપિયા 11.98 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
- ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ટીમની સફળ કામગીરી
ભરૂચઃ ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વડદલા ગામની નજીકની હોટલના પાર્કિંગમાથી થતાં કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી રૂપિયા 11.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચની નર્મદા વેલી ફટીલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ કંપની GNFCમાંથી ઇથાઈલ એસીટેટ કેમિકલનો 9.445 મેટ્રિક ટનનો જથ્થો ટેન્કર ચાલક કમલેશકુમાર બિંદ પાદરાના લુનાગામ ખાતે આવેલ અમોલી ઓર્ગેનિક્સ કંપનીમાં જવા રવાના થયો હતો. આ દરમિયાન ટેન્કર ચાલક વડદલા ગામની સામે આવેલ પાર્કિંગમાં ટેન્કર લઈ ગયો અને સીલ તોડી ચાર કેરબામાં 20-20 લિટર કેમિકલ ભરતો હતો ત્યારે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
પોલીસે રૂપિયા 11.98 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
પોલીસે ચાર કેરબા ભરેલા કેમિકલ, એક મોબાઈલ ફોન તેમજ 5 લાખ રૂપિયાના ટેન્કર સહિત કુલ 11.98 લાખથી વધુના મુદ્દામાલને કબ્જે કર્યો છે. પોલીસે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ સુરમિયા સોસાયટીમાં રહેતા ટેન્કર ચાલક કમલેશકુમાર બિંદની ધરપકડ કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.