ભરૂચ : નબીપુરથી ઝનોર જવાના માર્ગ ઉપરથી અમદાવાદના માણેકચોકના વેપારીને લૂંટી લેવાની ઘટના બની હતી. લૂંટને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયા હતા. જેમાં ત્રણ લૂંટારાને શિનોર પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી સોનાના જથ્થા સહિત રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. પરંતુ મહત્વની વાત એ છે કે બીજા કેટલાક ઈસમો બીજી કારમાં સવાર હતા જે રાજપીપળા તરફ ફરાર થઈ ગયા હતા. શિનોર પોલીસે ઝડપાયેલા ઈસમોની પૂછપરછ હાથ ધરી છે અને બીજા ફરાર આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફિલ્મી દ્રશ્યો : અમદાવાદ માણેકચોકના ત્રિલોક ચંદ્ર જ્વેલર્સના મુકેશ ત્રિલોક ચંદ્ર સોની જે ભરૂચના વેપારીઓને દાગીનાની ડિલિવરી આપવા માટે આવતા હતા. સવારે તેઓએ વેપારીને દાગીનાની ડીલીવરી આપ્યા બાદ ભરૂચ મહંમદપુરા આવી નબીપુર હાઇવે થઈ ઝનોર જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન નબીપુર ઝનોર રોડ બપોરના સમયે એક વેન્યુ કારે તેઓનો માર્ગ આંતયો હતો. ઉપરાંત પાછળ નેકસોન કાર ઊભી રહી હતી. લૂંટારાઓએ બંદૂકની અણીએ વેપારીને લૂટી લીધો હતો. તેમજ તેની પાસેથી મોબાઇલ ફોન અને ગાડીની ચાવી પણ લઈ લીધી હતી.
બંદૂકની અણીએ લૂંટ : જવેલર્સના વેપાર સાથે સંકળાયેલા વેપારીની ગાડીને રોકી ચારથી પાંચ લૂંટારાઓએ બંદૂકની અણીએ લૂંટ ચલાવી હતી. ગાડીની ડેકીમાંથી 200 તોલા સોનું અને રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા. પરંતુ વેપારીને લૂંટીને જતી વખતે વેપારીની કારની ચાવી અને મોબાઈલ ફોન તેઓ લઈ ગયા હતા. વેપારીએ માર્ગ પરથી પસાર થતા રાહદારીની મદદ લઇ સમગ્ર ઘટનાની જાણ ભરૂચ પોલીસને કરી હતી.
તપાસનો ધમધમાટ : સમગ્ર ઘટનાની જાણ ભરૂચ પોલીસને થતા ભરૂચ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લૂંટની ઘટનાનો મામલો સામે આવતા સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું. ઝનોર અને આસપાસના તમામ એકિઝટ પોઇન્ટ ઉપર નાકાબંધી કરી પેટ્રોલ પંપના CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું તથા ભરૂચ અને વડોદરા જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું.
સેગવા આઉટ પોસ્ટ ચોકી ખાતેથી આ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓની વધુ પૂછપરછ હાલ ચાલુ છે. અન્ય ઇસમો રાજપીપળા તરફ ફરાર થઈ ગયા છે તેઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.-- PI કાંટલિયા (શિનોર પોલીસ)
ત્રણ લૂંટારા ઝડપાયા : સમગ્ર લૂંટની ઘટના અંગે વડોદરા જિલ્લા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે નાકાબંધી કરી તપાસ શરૂ કરી હતી. તે સમય દરમિયાન ચોકડી નજીકથી એક કારમાં ત્રણ જેટલા શંકાસ્પદ ઈસમોને શિનોર પોલીસ PI કાંટલિયા અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.