ભરુચ : અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા એક્સ્પ્રેસ હાઇવેમાં જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી તેમના જમીન વળતરને લઇને રજૂઆતો કરી રહ્યાં છે પરંતુ તંત્ર દ્વારા કાનસરો આપવામાં આવતો નથી. જેને લઇને ખેડૂતો પ્રતીક ઉપવાસ આંદોલન પર ઊતરવા જઇ રહ્યાં હતાં તેવા સમયે ભરુચ પોલીસ દ્વારા અંદાજે 50 જેટલા ખેડૂતોની અટકાયત કરાઇ હતી.
અવાજને દબાવી દેવાનો પ્રયાસ પોલીસ પગલાંને લઇને ખેડૂતોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે તીખા પ્રહારો કરી સંવેદનશીલ સરકારની સંવેદના ભરૂચના ખેડૂતો માટે નહીં હોવાનું નિવેદન આપ્યું હતું. ભરૂચમાં ખેડૂતોને પોલીસના જોરે આંદોલન પણ નથી કરવા દેવામાં આવતાં તેમ જણાવ્યું હતું. ખેડૂતોએ આ પગલાંને આંદોલન અવાજને દબાવી દેવાનો પ્રયાસ પણ ગણાવ્યો હતો.
અમારો અવાજ વડાપ્રધાન સુધી પહોંચે તેમ ખેડૂતો ઇચ્છી રહ્યાં છીએ. એક્સપ્રેસ વેમાં સુરત, નવસારી અને વલસાડ જેટલું વળતર ભરૂચને મળે તે જ એકમાત્ર માગણી ઉચ્ચારી રહ્યાં છીએ..ખેડૂતો દ્વારા ભરૂચ જિલ્લા કલેકટર, ગુજરાત સરકાર, નીતિન ગડકરીને પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવેલ નથી અને ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે...નિપુલ પટેલ (ખેડૂત આગેવાન)
નિતીન ગડકરીને પણ રજૂઆત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેકટમાં જમીન ગુમાવનારા ખેડૂતો દ્વારા વળતરની માંગને લઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે ખેડૂતો ઉપવાસ પર બેસે એ પૂર્વે જ તેમની પોલીસ દ્વારા અટકાયત કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેના નિર્માણ માટે જમીન ગુમાવનાર ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. કેન્દ્રીયપ્રધાન નિતીન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ સમસ્યાનો હલ ન આવતા હવે વિવાદ વકર્યો છે.
પ્રતીક ઉપવાસની મંજૂરી ન આપી ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ વેની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણમાં પ્રતીક ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી ચૂક્યા હતાં.આ ઉપવાસને તંત્રએ પરવાનગી આપી ન હતી તેમ છતાં ખેડૂતોએ ઉપવાસ ઉપર બેસવાની તૈયારીઓ શરૂ કરતા ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને આમોદમાં ખેડૂતોને ભરૂચ પહોંચતા અટકાવવા અટકાયત અને નજરકેદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
- Bullet train project farmers benefits : બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પીપલગના ખેડૂતોના ખોલ્યાં સમૃદ્ધિના દ્વાર
- Bharuch Express way Project: ઉટિયાદરા ગામે એક્સપ્રેસ વેને લઈ ખેડૂતોનો વિરોધ, કહ્યું વ્હાલાદવલાની નીતિ
- Bullet Train Project Farmers Annoyed : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઠપ, જમીન સંપાદન મુદ્દે ભરુચના ખેડૂતોનો વિરોધનો મોટો મુદ્દો