ભરૂચઃ પ્રમુખ સુરભી તમાકુવાલાની અધ્યક્ષતામાં ગુરૂવારે ભરૂચ સેવા સદનની સામાન્ય સભા મળી હતી. જેમાં વર્ષ 2020-21ના બજેટને ભારે ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી. આ બજેટમાં આગામી વર્ષ માટે કુલ આવક 150.71 કરોડ આંકવામાં આવી છે, જેની સામે કુલ ખર્ચ રૂપિયા 134.29 કરોડ દર્શાવાયો છે. જેથી રૂપિયા 150.71 કરોડના 16.42 કરોડના પુરાંત વાળા બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
બજેટમાં ઈ-નગર યોજના, રૂપિયા 35.54 કરોડનો સ્યુઈજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા 9.5 કરોડના ખર્ચે મકતમપુર અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂપિયા 19 કરોડના ખર્ચે ભરૂચ શહેર માટે અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ, ધાર્મિક સ્થળોએ સાઈન બોર્ડ મુકવા, શહેરમાં 10 સ્થળોએ 16 લાખના ખર્ચે આર.ઓ.વોટર મશીન, શહેરના વિવિધ માર્ગો પહોળા કરવા, જે.બી.મોદી પાર્ક નજીક જીમ કમ યોગા સેન્ટર, કસક ગરનાળાનું નવીનીકરણ, સીટી બસ સેવા, નથ્થુ થોભણ ધર્મશાળાનું નવીનીકરણ સહિતના પ્રોજેક્ટની જોગવાઈ કરવામાં આવી છે.
સામાન્ય સભામાં બજેટ કોપી પેસ્ટ હોવાના આક્ષેપ સાથે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોધાવ્યો હતો અને બાકી બજેટ અંગેના પોસ્ટર્સ દર્શાવ્યાં હતા. વિપક્ષના નેતા સમસાદ સૈયદે જણાવ્યું હતું કે, ગત 10 વર્ષથી ભાજપના શાશકો આગલા વર્ષોનું બજેટ કોપી કરી પુસ્તિકામાં છાપી દે છે. 10 વર્ષથી 30 એવા પ્રોજેક્ટ છે જે દરવર્ષે લેવામાં તો આવે છે, પરંતુ તેમાં કોઈ પ્રકારની કામગીરી થતી નથી.
ભરૂચ નગર સેવા સદનની ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા ચાલી રહી હતી, તે દરમિયાન પશ્વિમ વિસ્તારમાં વિકાસના કામો ન થતાં હોવાના કોંગ્રેસના સભ્યો આક્ષેપ કરી રહ્યા હતા.
તાજેતરમાં કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે તેની અસર ભરૂચ નગર સેવા સદનની મળેલી સામાન્ય સભામાં પણ જોવા મળી હતી. સામાન્ય સભા પૂર્વે સભા ખંડ બહાર સેનેટાઈઝેશનનો ઉપયોગ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.