ભરૂચ: જીલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ગુરૂવારથી માર્કેટ અને દુકાનો સવારે 8થી બપોરના 4 વાગ્યા સુધીજ ખુલ્લા રાખી શકાશે તે અંગે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લામાં એકજ દિવસમાં કોરોના સંક્રમણના 29 કેસ સામે આવતાં કલેક્ટર એમ.ડી. મોડિયાએ 22 જુલાઇ સુધી તમામ માર્કેટોને સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધીજ ચાલુ રાખવા જાહેરનામુ બહાર પાડ્યું છે.
9થી 22 મી જુલાઈ સુધી જિલ્લાના તમામ શોપિંગ કોમ્પ્લેક્ષો, શાકમાર્કેટ, શાકભાજીનું વિતરણ, પાન-મસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ/ દુકાનો, વોક-વે, બાગ-બગીચા સવારના 8 થી બપોરના 4 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનું ફરમાવાયું છે.
જયારે મેડિકલ, દૂધ પાર્લરોની દુકાનોને જાહેરનામાંથી છૂટ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ શિક્ષાને પાત્ર ગણવામાં આવશે. હેડ કોન્સ્ટેબલથી લઇ ડીવાયએસપી સહિતના અધિકારીઓ જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી શકશે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેને કાબુમાં લેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.