- તમામ 44 બેઠક પર ઊભા રાખશે ઉમેદવાર
- જનતા અપક્ષ દ્વારા મેનિફેસ્ટો પણ જાહેર કરાયો
- 44 પૈકી 12 સીટો પર લડવા માટે ઉમેદવારો મળ્યાં
ભરૂચ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં ઢોલ ઢબુકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોનાં નામ નક્કી કરવા મંથન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અપક્ષ ઉમેદવારો પણ મેદાને ઉતર્યાં છે. ભરૂચ નગર સેવા સદનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોના સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. જેઓ તમામ 44 બેઠકો પર ઉમેદવારોને લડાવશે.
વૈવિધ્યસભર ક્ષેત્રોમાંથી લોકો જોડાયા
ભરૂચ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભરૂચ જનતા અપક્ષની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નિવૃત એન્જીનિયર, એડવોકેટ, ડૉક્ટર તેમજ સામાજિક કાર્યકરોએ ભેગા મળીને સંગઠનની જાહેરાત કરી છે. જનતા અપક્ષ દ્વારા નગર પાલિકાનાં 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામા આવશે અને ચૂંટણી લડાશે. તેઓ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામોની યાદી પણ બહાર પાડવામાં આવી છે.
ભરૂચ જનતા અપક્ષ દ્વારા ચૂંટણી માટે મેનિફેસ્ટો પણ જાહેર કરાયો
સંગઠન દ્વારા જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં સરકારી શાળાઓને આધુનિક બનાવવી,સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોચિંગ ક્લાસ શરૂ કરવા, જૂના ભરૂચનો વિકાસ, તમામ સ્મશાનોનું નવિનીકરણ, રોજગારીની તકો ઊભી કરવી અને રમતગમત માટેની વ્યવસ્થા સહિતનાં મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ભરૂચમાં 3 નગર પાલિકા 9 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી
ભરૂચ નગર સેવા સદનમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત BTP-AIMIMનું ગઠબંધન પણ છે. BTP-AIMIMની સાથે સાથે અપક્ષ ઉમેદવારોની પણ દાવેદારીના કારણે ચૂંટણી રસપ્રદ બની રહેશે.