ભરૂચ : ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર તમામ પ્રકારના વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અંગ્રેજોની દેન ભરૂચનો ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આખરે સલામતી માટે જિલ્લા કલેકટરે વાહન ચાલકો અને લોકો માટે 143 વર્ષે સેવા નિવૃત કરી દીધો છે. આવરદા વટાવી ચુકેલો ગોલ્ડન બ્રિજ ગમે ત્યારે ક્ષતિગ્રસ્ત થવાની સંભાવનાને લઈને વાહનો તેમજ લોકોના પ્રવેશ માટે પ્રતિબંધિત કરી દેવાયો છે. પ્રાચીન નગરી ભરૂચની ઐતિહાસિક ઓળખ સમો 143 વર્ષ જુના નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના પ્રવેશદ્વાર વાહનચાલકો, રાહદારીઓ અને લોકો માટે બંધ થઈ ગયા છે.
ક્યારે બ્રિજ બન્યો હતો : ભરૂચ ખાતે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ વર્ષ 1881માં બનેલા હતો. આ બ્રિજ ચાલુ થયાને હાલ 143 વર્ષ થયેલા છે. આ બ્રિજમાં 52 મીટરના કુલ 28 સ્પાન આવેલ છે. આ બ્રિજની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલી છે. વર્ષ 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજૂરી મળતા થતા 12 જુલાઈ 2021થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ પરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થાય છે. બ્રિજના ઉપયોગ અર્થે વુડન ઘણા વર્ષો થઈ ગયેલા છે. જેથી કોઈપણ સમયે બ્રિજમાં ક્ષતિ અજાણે થઈ શકે તેવી શકયતા રહેલી છે. ઉપરાંત કેન્દ્ર સરકારના રિપોર્ટમાં અગાઉ ગોલ્ડ બ્રિજને દેશના અતિ 7 જોખમી પુલમાં સમાવેશ કરાયો હતો.
અવારનવાર નિરીક્ષણ કરવાનું રહેતું હોય : નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશવા પર પ્રતિબંધ લાદવા દરખાસ્ત છે. દરખાસ્ત પરત્વે પોલીસ અધિક્ષક પાસે અભિપ્રાય મંગાવતા નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય બ્રિજના બન્ને છેડાઓ તરફથી અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશ કરવા કે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવા અભિપ્રાય આપેલો છે. ગોલ્ડન બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ થઈ શકે તેવી શક્યતા રહેલી હોય તેથી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ વાહનને બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ કરવા-વાહનોની પર સંપૂર્ણ અવર–જવર બંધ કરવી આવશ્યક જણાય છે. ભરૂચ કલેકટર તુષાર.ડી. સુમેરા દ્વારા 12 જુલાઈથી ગોલ્ડન બ્રિજ પર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય લોકો કે વાહનો માટે પ્રવેશ પાબંદી ફરમાવી દેવાઈ છે.