ભરૂચમાં લાયસન્સ સહિતની કામગીરી કરતા લોકોને છેતરી ગેરકાયદેસર રીતે નોટરી કરતા એક ઇસમની અટકાયત કરી છે. ભરૂચના ઓસારા રોડ પર રહેતા અને રીક્ષા ચાલક નરેન્દ્ર જાદવ ભરૂચ RTO કચેરી નજીક લાયસન્સની કલર ઝેરોક્ષ માટે ગયા હતા. જ્યા ઝેરોક્ષની દુકાનનાં સંચાલક શહેજાદ ઘંટીવાલાએ તેમને કલર ઝેરોક્ષ પર નોટરી કરી આપી હતી. આ બાબતે નરેન્દ્ર જાદવને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેના પગલે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપી શહેજાદ ઘંટીવાલા નોટરી શહેજાદ સૈયદના નામનો સિક્કો મારી ગેરકાયદેસર રીતે નોટરી કરતો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તે છેલ્લા એક વર્ષથી આ કૌભાંડ આચરતો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલામાં નોટરી શહેજાદ સૈયદની કોઈ ભૂમિકા છે કે કેમ એ સહીતની વિગતો મેળવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.