- રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો ત્રીજા ક્રમે
- મહાનગરપાલિકાઓની ગણતરી સાથે ભરૂચ જિલ્લાનો 8મો ક્રમ
- કોરોનાથી મૃત્યુદરમાં સતત વધારો, ઓક્સિજન અને બેડની અછત
ભરૂચ: જિલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ એ હદે ચિંતાજનક સ્તરે પહોચ્યું છે કે, સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણમાં ભરૂચ જિલ્લો ત્રીજા ક્રમે આવી ગયો છે. મહાનગર પાલિકાની ગણતરી સાથે ભરૂચ જિલ્લો કોરોનાના વધતા કેસમાં 8માં સ્થાને છે.
કોરોનાની પ્રથમ લહેરમાં ઓછા કેસ નોંધાયા હતા
કોરોનાના શરૂઆતના તબક્કામાં ભરૂચ જિલ્લાએ કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા હાંસલ કરી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં ભરૂચ જિલ્લો પણ ફસાઈ ગયો છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સંક્રમિતો ધરાવતા જિલ્લાઓમાં ત્રીજુ સ્થાન મેળવ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સુરતમાં, મહેસાણામાં અને ત્યાર બાદ ત્રીજા નંબરે ભરૂચ જીલ્લામાં 161 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે. આમ, ભરૂચ જિલ્લો સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણમાં ત્રીજા સ્થાને છે.
મહાનગર પાલિકાઓની ગણતરી સાથે 8માં ક્રમાંકે
વધુ ડેટાનું એનાલિસિસ કરતા રાજ્યની મહાનગર પાલિકાઓની ગણતરી સાથે ભરૂચ જિલ્લો કોરોના સંક્રમણમાં 8માં ક્રમે હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લા માટે આ વાત એટલા માટે ચિંતાજનક છે કે, સુરત તેમજ મહેસાણા જિલ્લા કરતા ભરૂચ જીલ્લામાં વસ્તીની સંખ્યા ઓછી હોવા છતાં ભરૂચ જીલ્લામાં કોરોનાનું સંક્રમણ તેમના કરતા વધુ છે.
કોરોનાથી મૃત્યુઆંકમાં પણ સતત વધારો
કોરોના સંક્રમણ સાથે સ્પેશ્યિલ કોવિડ સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલના આધારે થતી મૃતકોની અંતિમ ક્રિયા પણ દુઃખદ છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં કોરોના પ્રોટોકોલના આધારે 30 મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણમાં અને મૃત્યુઆંકમાં ઔદ્યોગિક ગ્રોથ રેટ કરતાં કોવિડ ગ્રોથ રેટ પણ વધી રહ્યો છે. ભરૂચમાં ઔદ્યોગિક એકમો, સંસ્થાઓ અને અગણિત નેતાઓ હોવા છતાં જિલ્લા વાસીઓને કોરોનાની સારવાર માટે બેડ મળી રહ્યા નથી. ઓક્સિજન નથી મળતો અને વેન્ટિલેટર તો શોધવા જવું પડે તેવી સ્થિતિ વચ્ચે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.