અંકલેશ્વરઃ નેશનલ હાઈવે નં.48 પર અંકલેશ્વર નજીક સિલ્વર સેવન હોટલના પાર્કિંગમાંથી પોલીસે હાનિકારક કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપ્યું હતું. પોલીસે ડ્રાઈવરની પુછપરછ કરતા કોઈ પ્રકારના પેપર્સ મળી આવ્યા નહતા. પોલીસે સત્વરે આ હાનિકારક કેમિકલ વેસ્ટ કૌભાંડના મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આજે અંકલેશ્વર પોલીસને સફળતા મળી છે.
સમગ્ર ઘટનાક્રમઃ ગત 15મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને હાનિકારક કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરની બાતમી મળી હતી. પોલીસે તાત્કાલિક સિલ્વર સેવન હોટલના પાર્કિંગમાંથી એક શંકાસ્પદ ટેન્કર ઝડપ્યું હતું. ડ્રાઈવરની પુછપરછ કરતા કોઈ સંતોષજનક જવાબ આપી શક્યો નહતો. ડ્રાઈવર કોઈ પેપર્સ પણ રજૂ કરી શક્યો નહતો. આ ટેન્કરની તપાસ કરતા તે મધ્ય પ્રદેશનું હોવાનું સામે આવ્યું છે જેના પર ગુજરાતની નકલી નંબર પ્લેટ લગાડાઈ હતી. પોલીસે આ મામલે મુખ્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. આજે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને પાનોલીની ઓરિએન્ટ રેમેડીઝ કંપનીના બે માલિકોની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે ટેન્કર સહિત તેમાં રહેલ કેમિકલ વેસ્ટ, મોબાઈલ મળી ૭.૦૫ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અંકલેશ્વર શહેર પોલીસ તેમજ પાનોલી પોલીસે સંયુક્ત રેડ કરી નેશનલ હાઇવે નંબર-૪૮ પર આવેલ હોટલ સિલ્વર સેવન હોટલના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર ઝડપીને ટેન્કર ચાલકને માલિક તેમજ કેમિકલ બાબતે આધાર-પુરાવા માંગતા તે રજૂ કરી શક્યો ન હતો. જોકે આ ટેન્કરમાં ભરેલ પ્રવાહી શેઠના કહેવા પર પાનોલીની ઓરિએન્ટલ રમેડીઝ કંપનીમાંથી ભરી ખાલી કરવા જતા હોવાનું કહેતા પોલીસે જીપીસીબીને જાણ કરી ટેન્કરમાં રહેલા પ્રવાહીના નમુના લેવડાવી પૃથ્થકરણ અર્થે મોકલ્યા હતા. બે દિવસ બાદ આ કૌભાંડના મુખ્ય આરોપી અને ઓરિએન્ટ રેમેડીઝ કંપનીના બે માલિકોની ધરપકડ કરી છે...ચિરાગ દેસાઈ(ડિવાયએસપી, અંકલેશ્વર)
હાનિકારક કેમિકલનો વેપલોઃ આરોપીઓની કંપનીમાં સોલ્વન્ટનું ઉત્પાદન કરવામાં છે. જેમાં બાય પ્રોડક્ટ તરીકે કોસ્ટિક લાય તથા અન્ય તત્વો યુક્ત હાનિકારક કેમિકલ પણ બને છે. આ વેસ્ટને તેઓ વિવિધ ટ્રેડર્સને વિવિધ કિંમતે વેચી મારે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કેમિકલ વેસ્ટનો ઉપયોગ સાબુ બનાવવામાં કરાય છે.