ભરૂચ સિવિલ હોસ્પિટલ એક યા બીજા કારણોસર હંમેશા વિવાદમાં રહે છે. ત્યારે હવે નવો જ એક વિવાદ સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલનાં રોજીંદા વપરાશના પાણીનો યોગ્ય રીતે નિકાલ નહી કરવામાં આવતા ગંદુ પાણી સિવિલ હોસ્પિટલનાં કમ્પાઉન્ડ અને મુખ્ય માર્ગ પર ફરી વળ્યું હતું. છેલ્લા 4 દિવસથી આ પરિસ્થિતિ સર્જાતા ભરૂચ નગર સેવા સદન એક્ષનમાં આવ્યું હતું અને સિવિલ પ્રશાશનને નોટીસ પાઠવી 5 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ અંગે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી સંજય સોનીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેરમાં ગંદુ પાણી વહેવડાવવામાં આવે છે. જેના કારણે ગંદકી સાથે માર્ગને પણ નુકસાન પહોંચે છે. જે કારણોસર નોટીસ પાઠવી જવાબ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.
તો આ તરફ સિવિલ સર્જનનું કહેવું છે કે, ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવા માટે એમોયું સાઇન થયા છે. આથી સરકારી એજન્સી PIU દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે અને આ બાબતે ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, સરકાર દ્વારા મોટા પાયે સ્વરછ ભારત અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ સરકારી સંસ્થાઓ જ જાણે સ્વરછતાનો છેદ ઉડાળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલમાંથી નીકળતું ગંદુ પાણી તેનું ઉદાહરણ છે, ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ જરૂરી છે.