ભરૂચઃ નર્મદા નદીમાં ખારું પાણી આવતું અટકાવવાના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું 8 વર્ષના લાંબા સમય બાદ શુક્રવારના રોજ વિધિવત રીતે ખાતમુર્હત કરવામાં આવ્યું છે. CM વિજય રુપાણીએ ગાંધીનગરથી ઈ ખાતમુર્હત કર્યું હતું.
દરિયાનું ખારું પાણી નર્મદા નદીના મીઠા પાણીમાં ભળતા 40 કિ.મી સુધીના વિસ્તારમાં ભૂગર્ભ જળની ક્ષારીયતા વધી હતી અને તેના કારણે અનેક ક્ષેત્રમાં મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દરિયાના પાણીને અટકાવવા માટે ભાડભૂત નજીક બેરેજ યોજના અમલી મૂકી હતી. છેલ્લા 8 વર્ષથી આ પ્રક્રિયા ચાલી રહી હતી અને તાજેતરમાં જ તેનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું.
ભાડભૂત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈ ખાતમુર્હત કરી કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા વાગરાના ધારસભ્ય અરુણસિંહ રણા, ભરૂચના ધારસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, કલેક્ટર ડો.એમ.ડી મોડીયા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાડભૂત બેરેજનું ટેન્ડર દિલીપ બિલ્ડકોન કંપનીને આપવામાં આવ્યું છે, આ કંપનીનું 4200 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. બિલ્ડકોન કંપની દ્વારા આ પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશનો સૌથી મોટો 21 કિ.મી લાંબો રીવર ફ્રન્ટ બનશે. આ બેરેજની લંબાઈ 1663 મીટર હશે. ઉપરાંત બેરેજમાં 90 દરવાજા લાગશે. આ બેરેજ ઉપર 30 મીટર પહોળાઈનો છ માર્ગીય રસ્તો પણ બનાવવામાં આવશે. આ માર્ગ બનતા દહેજ થી સુરત વચ્ચેનું 18 કિમી અંતર ઘટશે. ઉપરાંત મીઠા પાણીના કારણે ભરૂચ તેમજ વડોદરા જિલ્લાના ધરતી પુત્રોને પણ ફાયદો થશે. જો કે બીજી તરફ માછીમારો દ્વારા આ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. માછીમારોએ નદીમાં બોટમાં કાળા વાવટા ફરકાવી વિરોધ નોધાવ્યો હતો. માછીમારોનો આક્ષેપ છે કે, આ યોજનાથી માછીમારી ઉદ્યોગ પડી ભાંગશે અને માછીમારો બેરોજગાર બનશે.